ન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન અને ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. રાજ્યના ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન ખુલી રાખી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલે  અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે. 

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

આ નિર્ણય અંતર્ગત  ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન-ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાઈવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ
શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા  આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે. 

આ 6 નગરપાલિકા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં

જ્યારે રાજ્યની નગરપાલિકા વિસ્તારો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ આ 6  નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાં આવી નથી. 

પાટનગર જવાના મોટાભાગના રસ્તા બંધ

અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાના ડરે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. જેને પગલે  ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માત્ર વૈષ્ણોદેવી સર્કલ અને એપોલો સર્કલથી ગાંધીનગર તરફ જવા દેવામાં આવે છે. તમામ પ્રવેશ પર ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર વાહન ચાલકોના નામ, મોબાઇલ નંબર અને પ્રવેશના કારણ સાથે નોંધણી થઈ રહી છે. ગાંધીનગરમાં IAS અધિકારીઓ અને રાજકારણીઓ રહેતા હોવાથી અમદાવાદનો ચેપ ગાંધીનગરમાં ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.

પાટનગરમાં 3 દિવસમાં 33 કોરોનાના દર્દીઓ વધ્યા

અમદાવાદના કારણે ગાંધીનગર પણ હવે કોરોનાનું હોટસ્પોટ બની જાય છે. દિવસે અને દિવસે અમદાવાદ કનેક્શનથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ૩૩ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે આ તમામ દર્દીઓને અમદાવાદથી ચેપ લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જે પૈકી ગઈકાલે વધુ 18 કેસ સામે આવ્યા હતા. આ સાથે  પોઝિટિવ દર્દીઓનો આંકડો 67 થયો છે. 

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ-રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના

આ પહેલા સામાન્ય વહીવટી વિભાગે હોટસ્પોટ, કન્ટેઈનમેન્ટ એરિયા અને રેડઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા માટે સૂચના આપી હતી. જેને પગલે હાલ કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાંથી આવતા કર્મચારીઓને રાહત મળી ગઈ છે. સરકારી વિભાગમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે ઓર્ડર પણ કરી દીધો છે.

અજમેરથી આવેલી મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ
ગ્રીન ઝોન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા આવેલા એક મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લાવાર જોઈએ તો આજે અમદાવાદમાં 250, ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 નોઁધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી 5054 દર્દીઓ નોઁધાયા છે. તે પૈકી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીએ, વડોદરામાં 3,  સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.
આજે અમદાવાદ-ગાંધીનગરમાં IAF દ્વારા ફ્લાય પાસ્ટ
અમદાવાદમાં આજે રવિવારે સવારે 10 વાગે IAFવાળી હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર ફૂલ વર્ષા કરશે. સાથે સ્વાક બેન્ડ કેમ્પર્સમાં ધૂન રેલાવશે. 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કરશે. 10.55 વાગે હેલિકોપ્ટર ગાંધીનગર હોસ્પિટલ પર ફૂલવર્ષા કરશે.
160 સાજા થયાં, 107 પુરુષો, 53 મહિલા દર્દીઓ, સુરેન્દ્રનગર કોરોનામુક્ત
શનિવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાંથી કુલ 160 દર્દીઓએ કોરોના સામેના સંઘર્ષમાં જીત મેળવી છે. આવાં દર્દીઓમાં 107 પુરુષો જ્યારે 53 મહિલા દર્દીઓ છે. તેમાં અમદાવાદના 63, વડોદરાના 40, સૂરતના 32, બનાસકાંઠાના 10, અરવલ્લીના 6, મહેસાણા અને પંચમહાલના 2-2 તથા આણંદ, ભરૂચ, ગાંધીનગર, નવસારી-સુરેન્દ્રનગરના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોઝિટિવ કેસને રજા અપાતાં હાલ આ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.
એક સપ્તાહમાં 2000 કેસ વધ્યા
25 એપ્રિલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ હોય તેવાં લગભગ 3000 જેટલા કેસ હતા તેમાંથી 2 મેએ આ આંકડો 5000થી વધુ થઇ ગયો છે. એટલે કે એક જ સપ્તાહમાં 2000 કેસ વધી ગયાં છે. જ્યારે 23 એપ્રિલે રાજ્યમાં 2,624 કેસ નોંધાયેલાં હતાં તે શનિવારે એટલે કે નવ દિવસમાં બમણા થયાં છે. એટલે હાલ રાજ્યમાં કેસ ડબલિંગનો રેટ નવ દિવસનો છે.