કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે દાહોદ જિલ્લામાં મધરાતે સબજેલમાંથી 13 કેદીઓ ફરાર થઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાક મચી જવા પામી છે. રૂમનો દરવાજાનું તાળું તોડી ત્યારબાદ બેરેકનું તાળું પણ તોડીને કેદીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારિયા ગામની સબ જેલમાં રહેલા 13 અંડરટ્રાયલ કેદીઓ રાત્રીના અંધકારનો લાભ લઈને જેલમાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ રાત્રે ત્રણ વાગ્યે દેવગઢ બારિયા સબ જેલમાંથી 13 કેદીઓ નાસી છૂટ્યા હોવાની વિગતો મળી છે. આ કેદીઓ સામે બળાત્કાર તેમજ ખૂન સહિત વિવિધ ગુન્હા હેઠળ કેસ ચાલી રહ્યા છે.
કેદીઓએ સૌપ્રથમ રૂમ અને બેરેકના તાળા તોડ્યા હતા અને બાદમાં તેઓ જેલની ઊંચી દિવાલ કૂદીને ભાગી ગયા હતા. જેલની અંદર સુરક્ષા ગાર્ડ હાજર હોવા છતાં આટલા મોટાપાયે કેદીઓ ભાગી ગયા હોવાની ઘટનાથી લોકોને અચરજ થઈ રહ્યું છે. કેદીઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે દેવગઢ બારિયા સબ જેલના ઈન્ચાર્જ જેલર પુનમચંદ રાણાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેલમાં કુલ 80 કેદીઓને રાખવામાં આવ્યા છે. બેરેક નંબર એકના રૂમ નંબર ત્રણ અને ચારમાં રાખવામાં આવેલા 13 કેદીઓ તાળા તોડીને ભાગી ગયા છે. રાણાએ તેમની ફરિયાદમાં ચાર જેટલા સુરક્ષા ગાર્ડની બેદરકારી બદલ તેમની સામે પગલાં લેવા પણ માગ કરી છે.