અમેરિકી હુમલામાં મૃત્યુ પામેલ ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને શ્રદ્ધાંજલી આપવા માટે સોમવારે તેહરાનમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિતના મોટા નેતાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અયાતુલ્લા અલી ખામેનેઈ જનાજાની નમાજ પઢતાં-પઢતાં રડી પડ્યા. જનરલ સુલેમાનીને ગયા અઠવાડીયે બગદાદમાં મારવામાં આવ્યા હતા.
સોમવારે સવારથી જ એંગેલૈબ સ્ક્વાયર પાસે તેહરાન યૂનિવર્સ્ટી તરફથી લોકો ભેગા થવાના શરૂ થઈ ગયા હતા. અહીં અમેરિકા અને ઈઝરાયલ વિરૂદ્ધ નારાઓ વચ્ચે અંતિમ સંસ્કારની ક્રિયા પૂર્ણ થઈ. જનાજો ઉઠ્યો એ સમયે લોકો સુલેમાનીની તસવીરો, ઈરાનના ઝંડા અને અમેરિકા વિરૂદ્ધના નારાઓનાં બેનર લઈને આવ્યા હતા.
અમેરિકી સૈનિકો પર હુમલાની ધમકી
આ સમયે ત્યાં એકત્રિત થયેલ લોકોની ભીડને સંબોધિત કરતાં જનરલ સુલેમાનીની દીકરી જૈનબે મધ્ય પૂર્વમાં રહેલ અમેરિકી સેના પર હુમલાની સીધી જ ધમકી આપી છે, તેમણે કહ્યું, ‘મધ્ય પૂર્વમાં હાજર અમેરિકી સૈનિકોના પરિવારજનો તેમના છોકરાઓના મૃત્યુના સમાચાર સાંભળવાની રાહ જાંતાં દિવસો પસાર કરશે.’
જ્યારે રડી પડ્યા ખામનેઈ
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ કાસિમ સુલેમાનીના જનાજાની નમાજ પઢી હતી. આ દરમિયાન ખામેનેઈ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. જનાજામાં પહોંચેલ વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ તેમનાં આંસુ રોકી શક્યા નહોંતા. જનાજાનીઓ નમાજ દરમિયાન રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા ખૂબજ કડક કરી દેવામાં આવી હતી. રવિવારે સવારથી જ હેલિકોપ્ટરથી રાજધાની પર નજર રાખવામાં આવી રહી હતી.