સાવ નૉર્મલ લાઇફનું સપનું જોતા હો તો મહેરબાની કરીને અત્યારે જ જાગી જજો

મુખ્ય સમાચાર

જો એવું તમારા મનમાં હોય કે આવતી કાલે ત્રીજી તારીખ છે અને હવે નરેન્દ્ર મોદી આવીને તમને કહેશે કે ‘લૉકડાઉન થયું પૂરું, જાઓ રમો’ તો તમે ભૂલ કરો છો. લાઇફ હવે ચેન્જ થઈ છે અને આ ચેન્જ થયેલી લાઇફને જ રિયલ હકીકત માનીને તમારે આગળ ચાલવાનું છે. ચાઇનાએ વુહાન શહેરમાં ૭૬ દિવસનું એકધારું લૉકડાઉન આપ્યું હતું અને એ લૉકડાઉન પણ આપણા જેવું નહોતું. સરમુખત્યારશાહી સાથેનું લૉકડાઉન હતું. એ ૭૬ દિવસના કડક અમલ પછી વુહાનને રાહત મળી અને આપણે હજી માંડ પોણાબે મહિના પર પહોંચ્યા છીએ અને આ પોણાબે મહિનામાં પણ લૉકડાઉનનું પાલન તો ૭૦:૩૦ના રેશિયોથી જ થયું છે. તમે ઘરમાં બેસી રહ્યા છો એનો અર્થ એવો નથી કે તમામ લોકો તમારા જેવા ડાહ્યા થઈને ફરતા હતા. ના, જરાય નહીં. દોઢડાહ્યાઓ બહાર ભટકતા હતા અને ભટકી રહેલા આ દોઢડાહ્યાઓ આક્રમક રીતે કોરોનાને આગળ ધપાવવાનું કામ કરતા હતા અને કરી રહ્યા છે.

લૉકડાઉન ખૂલવાનું નથી. આ એ સંદર્ભથી કહેવામાં આવી રહ્યું છે જે સંદર્ભ તમે તમારા મનમાં લઈને બેઠા છો. લૉકડાઉન તબક્કાવાર ખૂલશે અને તબક્કાવાર ખૂલનારા આ લૉકડાઉનમાં તમારે પણ તબક્કાવાર જીવન શરૂ કરવાનું છે. લૉકડાઉન ખૂલ્યા પછી પણ એ તૈયારી રાખવાની છે જેને માટે અનિવાર્ય હોય તે જ ઘરની બહાર નીકળે. હું તો કહીશ કે લૉકડાઉન ખૂલ્યા પછી પણ ૧૫ દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન સૌકોઈએ સ્વીકારી રાખવું જોઈએ. આમ પણ મૉલ, મલ્ટિપ્લેક્સ કે ઑડિટોરિયમ ચાલુ થાય એવા કોઈ આસાર નથી દેખાતા એટલે મજા કરવાની વાત તો નજીકના ભવિષ્યમાં આવવાની જ નથી અને આવવી પણ ન જોઈએ. એક વાત સૌકોઈ સમજીને રાખે કે હવે તમારો આ નવો અવતાર શરૂ થયો છે.

નવો જન્મ કહીએ તો પણ ચાલે અને નવજાત શિશુની જેમ તમારે તમારી જાતને રાખવાની છે. માસ્ક હવે કમ્પલ્સરી બની જવાનો છે અને આજે પણ એ કમ્પલ્સરી છે, પણ લૉકડાઉન પછી પણ એ ફરજિયાત રહેવાનો છે. રોટી, કપડાં, મકાન ઔર માસ્ક. આ હકીકતને એક ડગલું આગળ ચાલીને કહેવાનું હોય તો કહી શકાય કે કપડાં પહેરવાનું જેમ ભુલાતું નથી એમ માસ્ક સાથે રાખવાનું પણ હવે ભુલાવું ન જોઈએ. માસ્ક સુરક્ષા-કવચની ભૂમિકામાં છે અને આ સુરક્ષા-કવચ તમારા જીવનની રક્ષાનું કામ કરશે. મૂળ વાત પર આવીએ.

લૉકડાઉન આવતા સમયમાં તબક્કાવાર ખૂલશે અને તબક્કાવાર તમારે પણ જીવન પરથી લૉકડાઉન હટાવવાનું છે. લૉકડાઉન જો એકઝાટકે હટાવ્યું તો દેશને પણ નુકસાન છે અને તમારા જીવનને પણ એ તકલીફ આપનારું બની રહેશે. આ લૉકડાઉન દરમ્યાન જેકોઈ વિચારો કર્યા છે, જેકોઈ સપનાં જોયાં છે એ બધાંને સાકાર કરવા માટે બહાર નીકળવાનું છે, પણ હવે નવેસરથી ભાગવાનું નથી અને દોડવાનું પણ નથી. એવું નથી દોડવાનું જેમાં જીવને જોખમ ઊભું થવાનું હોય અને એવું પણ નથી ભાગવાનું જેમાં પરિવારજનો પર જ જોખમ આવે. મે મહિનો શરૂ થયો છે. બની શકે કે બધું નૉર્મલ થતાં સુધીમાં જુલાઈ-ઑગસ્ટ આવી જાય, પણ એ આવે એ જરૂરી છે. તમે માણસ છો અને માણસ તરીકેનું જીવન બરકરાર રહે એ મહત્ત્વનું છે અન્યથા કોરોના તો રાહ જોઈને બેઠો જ છે, તમને એક મરણાંક બનાવવા માટે.