સાઉદી અરેબિયા સ્ત્રીઓને મામલે હવે ઘણું નરમ થતું જાય છે. જેમાં સાઉદી અરેબિયન સ્ત્રીઓ માટે ત્યાંની સરકારે નિયમોમાં ફેરફાર કરીને સારા સમાચાર આપ્યા છે. જે અંતર્ગત હવે વિદેશ યાત્રા કરવા માટે સાઉદીની સ્ત્રીઓએ પુરૂષ ગાર્ડિયનની પરવાનગીની જરૂર નથી, તે હવે સ્વતંત્રરીતે વિદેશ ફરવા જઈ શકે છે.
સાઉદી સરકારે આદેશ જારી કર્યો કે, હવે 21 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓ કોઈ પુરષ ગાર્ડિયનની મંજૂરી વિના પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. સાથે જ, હવે મહિલાઓને પોતાનાં બાળકોના જન્મ, પોતાનાં લગ્ન અને છુટાછેડા માટે રજિસ્ટ્રેશન કરાવવાનો અધિકાર હશે. ઉપરાંત હવે મહિલાઓને નોકરીઓમાં વધારે તક આપવાની વાત પણ કહેવામાં આવી છે. જેથી દેશમાં તમામ નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના કામ કરવાનો અધિકાર મળશે.
અત્યાર સુધી સાઉદી અરેબિયામાં મહિલાઓને વિદેશ યાત્રા પર જવા અને પાસપોર્ટ માટે અરજી કરવા માટે કોઈ પુરુષ ગાર્ડિયન(પતિ, પિતા અથવા પુરુષ સંબંધી)ની મંજૂરી લેવી પડતી હતી. જો કે, હવે સાઉદી અરેબિયામાં તમામ વયસ્ક લોકો વિદેશ યાત્રા માટે પાસપોર્ટની અરજી કરી શકે છે. આમાં મહિલા કે પુરુષમાં ભેદભાવ રાખવામાં આવશે નહીં.
સાઉદી અરેબિયાના શાસક રાજકુમાર મોહમ્મદ બિન સલમાને આ પહેલાં વર્ષ 2016માં તેમણે 2030 સુધી દેશની અર્થવ્યવસ્થામાં સુધારાની યોજનાની સાથે અનેક સુધારાઓની ઘોષણા કરી હતી. જેમાં મહિલાઓ કાર ચલાવી શકશે જેવા નિયમોની ઘોષણાઓ સામેલ છે. તેનો એક ઉદ્દેશ કામકાજમાં મહિલાઓની ભાગીદારી 22 ટકાથી વધારીને 30 ટકા સુધી કરવાની છે.

