પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પુરી રીતે ખરાબ થઈ રહી છે. દેવાના બોઝ હેઠળ પાકિસ્તાન નાદારીની અણી પર છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને સત્તા પર આવ્યાના એક વર્ષ બાદ લોકોના આક્રોષનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાનમાં ચીજવસ્તુઓના ભાવ આસમાને
ગત વર્ષે જુલાઈ મહિનામાં પાકિસ્તાનમાં સત્તા હાંસલ કરનારા PM ઈમરાન ખાનને ચૂકવણીનું સંતુલન અને અસ્થિર આર્થિક સ્થિતિનું સંતુલન જાળવી રાખવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. નાણાંકીય સંકટ સામે લડી રહેલા પાકિસ્તાનમાં ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ડોલરના મુકાબલે પાકિસ્તાનનો રૂપિયો 30 ટકા તૂટી ગયો છે અને ફુગાવાનો દર લગભગ 9 ટકા પર છે, જે હજુ વધુ વધવાની આશંકા છે.
લોકોએ વ્યક્ત કર્યો આક્રોષ
કરાંચીમાં રહેનારી શમા પરવીને જણાવ્યું કે, ટામેટાની કિંમતો આસમાને છે, તો ત્યાંના 60 વર્ષિક મોહમ્મદ અશરફે કહ્યું કે, મારે પોતાનો ખર્ચ પૂરો કરવા માટે દૈનિક ઓછામાં ઓછા 1,000 રૂપિયા કમાવવાની જરૂર છે. આ દિવસોમાં મુશ્કેલીથી 500-600 રૂપિયા બચાવી શકુ છું. જો હું બિમાર પડ્યો તો સારવાર અને દવાનો ખર્ચો પૂરો પાડવો મુશ્કેલ પડી જશે.
વિષ્લેશકોએ આપી ચેતવણી
વિષ્લેશકોએ ચેતવણી આપી છે કે, પાકિસ્તાનમાં આર્થિક વૃદ્ધિ કરતાં વસ્તી ઝડપથી વધી રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) પાસેથી છ અબજ ડોલરના લોનની મંજૂરી મળવા છતાં સમસ્યા સામે લડી રહેલા પાકિસ્તાનને કોઈ રાહત મળતી દેખાતી નથી. એક વર્ષમાં પડોશી દેશે 16 બિલિયન ડોલર (11,04,27,68,00,000 રૂપિયા)ની લોન લીધી છે, જે એક વર્ષમાં મેળવેલી સૌથી વધુ રકમ છે. આ લોન પાકિસ્તાને અગાઉથી લીધેલી લોનની ચૂકવણી અને આયાત કરેલા બિલોની ચૂકવણી કરવા માટે લીધી છે.
નિષ્ફળ ગઈ પાકિસ્તાનની સરકાર
અગાઉ વેપારીઓએ એક દિવસની હડતાલ પણ કરી હતી અને લગભગ 8,000 લોકોએ વધતી કિંમતો વિરૂદ્ધ માર્ચ કરી હતી.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બગડી
બગડી રહેલી અર્થવ્યવસ્થાથી જરૂરી ચીજવસ્તુઓની કિંમતો વધી ગઈ છે. માત્ર પેટ્રો-ડિઝલ જ નહીં પાકિસ્તાનમાં બટાકા, ટમાટર જેવી અન્ય ઘણી શાકભાજીઓના ભાવ પણ આસામાને પહોંચી ગયા છે. સત્ય તો તે છે કે, પાકિસ્તાન સરકાર પ્રજાને આર્થિક સુરક્ષા આપી શકી નથી. આજે પણ ચાર કરોડથી વધુ લોકો બેરોજગાર છે.

