ભારતમાં છવાયેલી આર્થિક મંદીને લઇને World Economic Forumના પ્રમુખ બોર્જ બ્રેનડેએ મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારતને એક યુવા અર્થવ્યવસ્થા ગણાવી છે જેમાં અદભૂત ક્ષમતાઓ સમાયેલી છે. તેમના મુજબ વિશ્વભરમાં છવાયેલી મંદી વચ્ચે ભારત સખત મજબૂતી સાથે તેનું શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. બ્રેનડેએ જણાવ્યું કે, દક્ષિણ એશિયાના વિકાસ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને જાળવી રાખવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે.
World Economic Forum, Confederation of Indian Industry (સીઆઇઆઇ) સાથે મળીને ભારત આર્થિક સંમેલન કાર્યક્રમનું આયોજન કરે છે. WEF રાજકીય, ઉદ્યોગપતિઓ અને સમાજના અન્ય લોકો સાથે મળીને વૈશ્વિક, ક્ષેત્રીય અને ઓદ્યોગિક એજન્ડા પર કાર્ય કરે છે. ભારત આ આર્થિક સંમેલનનું આયોજન ત્રણ અને ચાર ઓક્ટોબરનો રોજ દિલ્હી ખાતે કરશે.
બ્રેનડેએ જણાવ્યું કે, ભારત દુનિયામાં ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે અને અપાર ક્ષમતાઓ ધરાવતી એક યુવા અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સારુ પ્રદર્શન કર્યું છે.
તેમણે જણાવ્યું કે જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત થાય છે ત્યારે ભારત ઘણી બધી વિકસિત અર્થવ્યવસ્થાઓ કરતા પણ આગળ છે અને પાયાના માળખામાં અહી વિકાસની ઘણી બધી સંભાવનાઓ રહેલી છે.