જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યના પુનર્ગઠનને લઈને સાઉદી અરેબિયાએ ભારતને સમર્થન આપ્યું છે. કાશ્મીર મુદ્દે ડઘાયેલા પાકિસ્તાને ઈસ્લામિક કાર્ડ ઉતારવામાં મોટો આંચકો લાગ્યો છે. દુનિયાભરમાં મુખ્ય ઈસ્લામિક તાકાત મનાતા સાઉદી અરેબિયાનું સમર્થન હાંસલ કરવું એ ભારત માટે મોટી રાજદ્વારી જીત છે. સૂત્રોના અનુસાર, બુધવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે રિયાધમાં યોજાયેલી બે કલાકની મીટિંગમાં સાઉદી અરેબિયાએ પોતાનું મંતવ્ય આપ્યું હતું.
સૂત્રોએ કહ્યું હતું, ‘આ વાતચીતમાં જમ્મુ-કાશ્મીરનો મામલો પણ સામેલ હતો. આ અંગે સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીરમાં ભારત તરફથી ઉઠાવાયેલા કદમોને સમજીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો હતો.
હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. તેના પછી પણ સાઉદી અરેબિયા તરફથી ભારતને સમર્થન મળવું એ પાકિસ્તાન માટે મોટા આંચકા સમાન ઘટના છે. ઉલ્લેખનીય છે કે ગત પાંચ વર્ષોમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે સાઉદી અરેબિયા સાથે સંબંધો સુધારવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. જેના કારણે સાઉદી અરેબિયા સુરક્ષા અને ઈન્ટેલિજન્સ જેવા મામલાઓમાં પણ ભારતને સાથ આપવા આગળ આવ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કાશ્મીર મામલે વિશ્વના અનેક દેશો તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં પણ રોદણાં રડી ચૂક્યા છે પરંતુ તેમની કારી ક્યાંય ફાવી નથી. તેમને આશા હતી કે સાઉદી અરેબિયા તેમને સાથ આપશે પણ એવું બન્યું નથી. જેનાથી ઈમરાન ખાને નારાજગી પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં વ્યાપારી હિતો સમાયેલા હોવાથી મુસ્લિમ રાષ્ટ્રો પણ પાકિસ્તાનને સાથ આપી રહ્યા નથી.