વડોદરા નજીક આવેલા બિલ ગામની ધો-12ની સગીર વિદ્યાર્થિનીનું ટ્યૂશન ક્લાસ સંચાલક દંપતીએ 140 દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં અપહરણ કર્યું હતું. અપહરણકર્તા દંપતિ અને સગીરા શિરડી હોવાની માંજલપુર પોલીસને માહિતી મળી હતી. પોલીસ આજે મોડી રાત સુધીમાં ત્રણેયને લઇ વડોદરા પહોંચશે તેમ જાણવા મળ્યું છે.
એક વખત વાત થયા બાદ સગીરાનો ફોન બંધ થયો
વડોદરા નજીક આવેલા બિલ ગામ નજીક કશ્યપ પટેલ અને કવિતા પટેલ ઓમ ટ્યુશન ક્લાસ ચલાવતા હતા. ગામમાં રહેતા મનહરભાઇની 17 વર્ષીય દિકરી છેલ્લા 4 વર્ષથી આ ટ્યુશન ક્લાસમાં ભણવા માટે જતી હતી. દરમિયાન કશ્યપ પટેલ અને તેની પત્ની સાથે મનહરભાઇને પારિવારીક સબંધો બંધાયા હતા. સગીરાએ ધો.12ની પરીક્ષા આપી અને તે પાસ થઇ હતી. જેથી 29 મેના રોજ કશ્યપ પટેલ તેની પત્ની કવિતા પટેલ સગીરાને લઇ અંબાજી બાધા પુરી કરવા માટે રવાના થયા હતા. અંબાજી પહોંચતા જ 30 મેના રોજ દિકરીએ પિતાને ફોન કરી વાત કરી હતી. પરંતુ તે દિવસ ફોન આવ્યાં પછી દિકરીનો ફોન પણ બંધ થઇ ગયો અને કશ્યપ અને કવિતાનો પણ ફોન બંધ થઇ ગયો હતો.
દંપતી અને સગીરા શિરડી હોવાની માહિતી મળતા પોલીસ દોડી
બે દિવસ સુધી દિકરીનો કોઇ પત્તો ન લાગતાં પરિવારે તેની શોધખોળ હાથ ધરી પરંતુ કોઇ સગળ મળી ન હતી. જેથી આખરે સગીરાના પિતા મનહરભાઇએ ગત 6 જુનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરીયાદ નોંધાવી હતી. જેથી માંજલપુર પોલીસ સગીરા અને ટ્યુશન ક્લાસના સંચાલક દંપતિની શોધખોળ હાથ ધરી હતી. હવે છેક 140 દિવસ બાદ પોલીસને માહિતી મળી હતી કે, દંપતી અને સગીરા શિરડી ખાતે છે. જેથી પોલીસ શિરડી પહોંચી ગઇ હતી અને જ્યાં દંપતિ અને સગીરા મળી આવ્યા હતા. પોલીસ તેઓને લઇને વડોદરા આવવા નીકળી હોવાની માહિતી મળી છે.

