હોટ સ્પોટ અમદાવાદ સહિત રાજ્યના પાંચ મહાનગરોમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓને શોધવાની એક સપ્તાહથી ચાલતી કામગીરી હવે મોટા ભાગે પૂરી થતાં રાજ્યના અન્ય નગરો, ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી આવા ચેપગ્રસ્ત લોકોને શોધવા ઝુંબેશ શરૂ થશે, તેમ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, હોટ સ્પોટ એવા અમદાવાદના ક્લસ્ટરમાથી વધુ ને વધુ કેસ શોધી તેનું સંક્રમણ આગળ વધતું રોકવા માટે કોટ અને અન્ય ક્લસ્ટરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કરફ્યુ પણ નાખવામાં આવ્યો છે જેથી લોકોની બિન જરૂરી મુવમેન્ટને રોકી સંક્રમણને અન્ય વિસ્તારોમાં પ્રસરતું રોકી શકાય. બુધવારે સવાર સુધીમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દી ની સંખ્યા 1434 થઈ છે રાજયમાં સૌથી વધુ કેસની જેમ મૃત્યુંમાં પણ 57 સાથે ટોપ ઉપર છે.
રાજ્યના સુરત અને રાજકોટના હોટ સ્પોટ અને સંક્રમીત ક્લસ્ટરમાથી વધુ ને વધુ કેસ શોધી તેનું સંક્રમણ રોકવા પ્રયાસ ચાલી રહ્યા છે. સુરતમાં હોટ સ્પોટ સિવાયના અન્ય વિસ્તારોમાંથી પણ કેસ વધી રહ્યા છે. શહેરમાંથી સવાર સુધીમાં કુલ 364 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. રાજકોટમાં જંગલેશ્વરમાં કરફ્યુ લાદી કન્ટેન્ટમેન્ટની કામગીરી શરૂ થઈ છે ત્યાંથી 41 કેસ મળ્યા છે.

