કોરોના વાયરસને પગલે દેશવ્યાપી લોકડાઉનને વધુ 14 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. 17 મે સુધી હવે લોકડાઉન અમલમાં રહેશે. દેશમાં સૌપ્રથમ વખત લોકડાઉન અમલી બનાવવામાં આવતા એક સપ્તાહમાં જ ગુજરાતના ઉદ્યોગોમાં રહેલા પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડવા માટે હોબાળો કર્યો હતો. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી લોકડાઉનમાં ફસાયેલા અમદાવાદ અને સુરતના મજૂરોને હવે વિશેષ ટ્રેનો દ્વારા વતન મોકલવાની તૈયારી હાથ ધરવામાં આવી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.
શનિવારે અમદાવાદથી બે ટ્રેન આગરા અને વારાણસી તેમજ સુરતથી એક ટ્રેન બહેરામપુર ઓડિશા જવા રવાના થશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વની કુમારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે રાજસ્થાન, ઓડિશા તેમજ મધ્ય પ્રદેશના સંખ્યાબંધ મજૂરોને પોતાના વતનમાં બસ દ્વારા જવા દેવા માટે મંજૂરી આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બપોરે સુરતથી એક ટ્રેન ઓડિશાના બહેરામપુર જવા રવાના થઈ છે જેમાં 1,200 પરપ્રાંતિય મજૂરોને મોકલવામાં આવ્યા છે. શનિવારે રાત્રે અમદાવાદ સ્ટેશનથી વધુ બે ટ્રેનો આગરા રવાના થશે. જે પરપ્રાંતિય મજૂરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમના સ્વાસ્થ્યની ચકાસણી બાદ તેમને ટ્રેનમાં મોકલવામાં આવશે તેમ સીએમના સેક્રેટરીએ જણાવ્યું હતું.
રાજ્યમાંથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાની કામગીરી માટે રાજ્ય સરકારે આઠ આઈએએસ અધિકારીઓ તેમજ તેટલા જ આઈપીએસ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિમ્યા છે જેઓ આ સમગ્ર પ્રક્રિયાનું નીરીક્ષણ કરશે.
અશ્વની કુમારે વધુમાં જણાવ્યું હતું કે જે પરપ્રાંતિયોને પોતાના વતન પરત જવું હોય તેમણએ 1077 હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો રહેશે અને જિલ્લા તંત્ર તેમની નોંધણી કરશે. જો કે મુસાફરે પોતાની ટિકિટ સ્વખર્ચે ખરીદવાની રહેશે.
રાજ્ય સરકારે શનિવારે અધિક મુખ્ય સચિવ વિપૂલ મિત્રાને પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓને તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયા માટે નોડલ અધિકારી નિમ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય રાજ્યાં ફસાયેલા ગુજરાતના લોકોને પણ પરત લાવવાની વ્યવસ્થા કરી છે. આ લોકોએ ટ્રાવેલ પાસ મેળવવા માટે 079-23251900 પર પોતાની વિગતો નોંધાવવી પડશે.

