કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ભારતમાં લાગુ લૉકડાઉને માત્ર દેશવાસીઓને જ પ્રભાવિત કર્યા એવું નથી. આ લૉકડાઉનની અસર વિદેશીઓને પણ પડી છે.
ભારત ટોચનું બીફ-નિકાસકાર છે. જોકે, લૉકડાઉનને પગલે દેશમાં મીટ-પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે અને એટલે મલેશિયામાં બીફની નિકાસ પણ બંધ છે.
એટલે રમઝાન મહિનામાં અહીં બીફની ઘટ જોવા મળી છે અને કિંમતો આભને આંબી રહી છે. ભારત દર મહિને સરેરાશ એક લાખ ટન ભેંસનું માંસ વેચે છે.
જોકે, માર્ચ મહિનામાં આ વેચાણ 40 હજાર ટન જ રહ્યું. એપ્રિલમાં આ આંક હજુ ઘટે એવી આશંકા છે.
સમગ્ર એપ્રિલ માસમાં લૉકડાઉનનો અમલ કરાવાયો હતો અને મે માસમાં પણ આ મામલે ખાસ આશા જોવા મળી રહી નથી.
ઉત્તર પ્રદેશના માંસના નિકાસકારોએ જણાવ્યું છે કે મીટ-ઇન્ડસ્ટ્રીમાં હજુ કંઈ પણ થતું જોવા નથી મળી રહ્યું. રમઝાન મહિનામાં મલેશિયામાં ગત વર્ષની સરખામણીમાં ફ્રૉઝન માંસની કિંમત 15-20 ટકા વધી ગઈ છે.
કુઆલાલમ્પુરના એક માંસવેપારીએ રૉયટર્સને જણાવ્યું, “મલેશિયન એક મહિનામાં સરેરાશ ભારતમાં આવનારા ભેંસના માંસના 350 કન્ટેનરનો ઉપભોગ કરે છે. જે આંક હવે અડધો થઈ ગયો છે. “