આસામની સરકાર હવે આસામમાં મૂળ મુસ્લિમોની વસતી અને બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર મુસ્લમોની ઓળખ કરવા માટે એક સર્વે કરાવવાની યોજના બનાવી રહી છે.
એક તરફ આસામમાં હજી એનઆરસીને લઈને જે શંકાઓ ઉઠી છે તેનુ નિવારણ થઈ શક્યુ નથી ત્યારે સરકારે બીજા એક સર્વેની યોજના બનાવી છે. જેનો મુખ્ય હેતુ આસામના મૂળ નિવાસી મનાતા ચાર સમુદાય ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહની ઓળખ કરવાનો છે.
આસામના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી રંજીત દત્તાએ ચારે સમુદાયોના વિવિધ સંગઠનો અને બીજા પક્ષકારોની એક બેઠક બોલાવી છે.જેમાં તેની ચર્ચા થશે.
દરમિયાન આસામના લઘુમતી વિકાસ બોર્ડના અધ્યક્ષ મૂમિનુલ ઓવાલે કહ્યુ છે કે, આસામમાં 1.30 કરોડ મુસ્લિમ વસતી છે. આ પૈકી 90 લાખ મુસ્લિમો બાંગ્લાદેશી મૂળના છે.બીજા 40 લાખ અલગ અલગ જન જાતિઓના છે. જેમની ઓળખ જરૂરી છે. આ ઓળખ વગર આસામમાં મૂળ મુસ્લિમોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો નથી.
તેમણે કહ્યુ હતુ કે. જો અત્યારે આ દિશામાં કોઈ કાર્યવાહી નહી થાય તો આસામમાંથી તમામ મૂળ જનજાતિઓ સમાપ્ત થઈ જશે. એક વખત આ જનજાતિઓની ઓળખ થાય તો આગળનુ કામ આસાન થશે. 2015માં આ જન જાતિઓના પ્રતિનિધિઓએ જ તેમના સમુદાયની ઓળખ માટે સર્વેક્ષણ કરાવવાની માંગ કરી હતી. આ સર્વેક્ષણ પહેલા સરકારના સબંધિત વિભાગની મંજુરી લેવામાં આવશે.

