જમ્મુ-કાશ્મીરના કઠુઆના બળાત્કાર અને મર્ડરના કેસમાં ત્રણ દોષિતોને ઉમ્રકેદ અને ત્રણને પાંચ-પાંચ વર્ષની સજા કરવામાં આવી છે.
સાંઝી રામ, દીપક ખજુરિયા અને પરવેશને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જ્યારે તિલક રાજા, આનંદ દત્તા અને સુરેન્દ્રકુમારને 5-5 વર્ષની સજા કરવામાં આવી છે.
આ કેસમાં સાત પૈકી એકમાત્ર આરોપી ગુનેગાર નથી ઠર્યા, જે સાંજી રામના પુત્ર વિશાલ છે.
પીડિતાનાં માતાએ બીબીસીને જણાવ્યું હતું, “ન્યાય ત્યારે જ કહેવાશે જ્યારે મુખ્ય આરોપી સાંજી રામ અને પોલીસ અધિકારી દીપક ખજુરિયાને મૃત્યુદંડની સજા થશે.”
“મારી દીકરીનો ચહેરો હજી પણ મને ડરાવે છે, આ પીડા ક્યારેય ખતમ નહીં થાય. મારી દીકરીની ઉંમરનાં બાળકોને રમતાં જોઉં છું ત્યારે મારું હૃદય દ્રવી ઊઠે છે.”
બીજી તરફ વિશાલનાં માતા દર્શના દેવીએ ઇશ્વરનો આભાર માન્યો હતો કે તેમનો દીકરો નિર્દોષ છૂટ્યો છે.
સુપ્રીમ કોર્ટના વકીલ મુબીન ફારુકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ધર્મનિરપેક્ષ રહીને સમગ્ર દેશે આ કેસ લડ્યો છે. અલગઅલગ વકીલો સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં ન્યાય માટે લડ્યા છે. આ બંધારણીય જીત છે.”
“દીપક ખજુરિયા, પરવેશ કુમાર, સાંજી રામને આઈપીસીની કલમ 376 D, 302, 201, 363, 120 B, 343, 376 B હેઠળ દોષી ઠેરવ્યા છે.”
“તિલક રાજ, આનંદ દત્તા અને સુરિન્દર વર્માને આઈપીસી 201 અંતર્ગત દોષી કરાર ઠેરવ્યા છે.”