યુવરાજ સિંહની નિવૃત્તિ : ‘વર્લ્ડ કપ બાદ કૅન્સર થવું એ આકાશમાંથી જમીન પર પડવા જેવું હતું’

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

યુવરાજ સિંહે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તેમણે વર્ષ 2000માં ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

19 વર્ષ બાદ આજે યુવરાજે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

પ્રેસ કૉન્ફરન્સમાં યુવરાજે કહ્યું હતું કે તેમની ઇચ્છા હતી કે વર્લ્ડ કપમાં રમીને યાદગાર વિદાય લે, પરંતુ એવું ન બન્યું.

જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે આ સમયે નિવૃત્તિ કેમ લેવી પડી?

તો આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે તેમનું પ્રદર્શન પણ ખરાબ હતું અને તેમને રમવા માટે તક પણ નહોતી મળતી.

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં તેમણે 84 રન ફટકાર્યા હતા. ત્યારબાદ આ ડાબોડી બૅટ્સમૅને ક્યારેય પાછું વળીને જોયું નથી.

37 વર્ષના યુવરાજ તેમની અંતિમ મૅચ 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યા હતા.