‘1984 સિખ હુલ્લડો પર પિત્રોડાનું નિવેદન પાર્ટી લાઈનથી અલગ’: રાહુલ ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના 1984 સિખ નરસંહાર પર આપેલા નિવેદન પર હોબાળો ચાલુ છે. આ મામલે ભાજપ સતત કોંગ્રેસને ઘેરી રહી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યુ છે. તેમણે કહ્યુ, ‘મને લાગે છે કે સામ પિત્રોડાએ જે કહ્યુ તે સંપૂર્ણપણે ‘આઉટ ઑફ લાઈન’ છે અને તેમણે આના માટે માફી માંગવી જોઈએ.’ તેમણે કહ્યુ કે, ‘મારુ માનવુ છે કે 1984 એક એવી ઘટના હતી જેણે ખૂબ પીડા આપી. ન્યાય હોવો જોઈએ. જે લોકો પણ આના માટે જવાબદાર છે તેને સજા મળવી જોઈએ.’

રાહુલ ગાંધીએ કહ્યુ, ‘પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે માફી માંગી, મારી મા સોનિયા ગાંધીએ માફી માંગી. અમે બધાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ કે તે એક ભયાનક ઘટના હતી જે નહોતી થવી જોઈતી.’ સામ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ કરીને કોંગ્રેસે કહ્યુ કે અમે પોતાના નેતાઓને સંવેદનશીલ અને સંભાળીને નિવેદન આપવાની અપીલ કરી છે.કોંગ્રેસે કહ્યુ કે અમારુ માનવુ છે કે 19834ના સિખ હુલ્લડોની જેમ જ 2002ના ગોધરા કાંડ પીડિતોને ન્યાય મળવો જોઈએ. કોઈ પણ જાતિ, ધર્મ કે પંથ સામે કરાયેલ નરસંહારનું સમર્થન કોંગ્રેસ કરતી નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સલાહકાર સામ પિત્રોડાએ 1984ના સિખ હુલ્લડો પર વિવાદિત નિવેદન આપવા પર હોબાળો મચ્યા બાદ માફી માંગી લીધી છે. સામ પિત્રોડાએ એક પત્રકારના સવાલ પર કહ્યુ હતુ કે, ‘1984માં થયુ તો થયુ છેલ્લા પાંચ વર્ષોમાં શું થયુ આના પર વાત કરો.’ પિત્રોડાના આ નિવેદન બાદ રાજકીય ગલીઓમાં હોબાળો મચી ગયો.