મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા.૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના પ્રવાસમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં પાંત્રીસ ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે જેમાં ડાયમંડ તથા એન્જિનિયરિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરી IT તથા ઓઇલ એન્ડ ગેસ ડેરી ઉદ્યોગ ગોલ્ડ એગ્રો તથા ઓટો જેવી ઇન્ડસ્ટ્રી નો સમાવેશ થાય છે મુખ્યમંત્રીના પ્રવાસમાં CMOના IASઅધિકારી એમ કે દાસ તથા ડી એચ શાહ પણ સાથે જોડાયા છે ઉઝબેકિસ્તાનમાં પણ ગુજરાતની માફક વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગેસ્ટ તરીકે હાજર રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આવકારવા માટે ઉઝબેકિસ્તાન માં ઠેરઠેર રૂપાણી ના ફોટા સાથે તેમને આવકારતા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમ વાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવા ઉઝબેકિસ્તાને આપેલા નિમંત્રણનો સ્વીકાર કરી તેઓ આ ફોરમમાં સહભાગી થવાના છે.
વિજય રૂપાણી તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તેમજ એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે.
તેઓ આ પ્રવાસ દરમિયાન એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે સહભાગી થવાના છે.
મુખ્યમંત્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલીટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાવાના છે.
મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૧૯ ઓક્ટોબર શનિવારે વહેલી સવારે અમદાવાદથી પ્રસ્થાન કરીને એન્ડિજાન પહોંચશે અને ત્યાં આયોજીત —ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ઓપન એન્ડિજાનના ઉદઘાટન સમારોહમાં જોડાશે.
એન્ડિજાન શહેરમાં એક સ્ટ્રીટનું લોહપુરુષ સરદાર પટેલ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેનું ઉદઘાટન તેમજ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે.
મુખ્યમંત્રી ઇન્ડિયા ઉઝબેકિસ્તાનના ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોનની મુલાકાત લેશે અને ત્યાં કેડિલા ફાર્માનું ઉદઘાટન કરવાનાં છે. તેઓ ફિક્કી વિમેન્સ ઓર્ગેનીઝેશન આયોજીત વુમન સબ કમિટિની બેઠકમાં સંબોધન કરશે અને રૂપિયા ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી શારદા યુનિવર્સિટીનું ઉદઘાટન કરશે.
મુખ્યમંત્રી તેમના પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર સાથે મુલાકાત કરશે અને ઉદ્યોગ, વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત પણ લેશે.
વિજય રૂપાણી ૨૧મી ઓક્ટોબરે પ્રવાસના ત્રીજા દિવસે બુખારાના ગવર્નર સાથે બેઠક કરશે અને ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત બી-ટુ-બી મીટીંગમાં સહભાગી થશે.
તેઓ બુખારાના ઐતિહાસિક કેન્દ્રમાં ટુરિઝમ પ્રોજેક્ટ, ટુરિઝમ ઝોન અને ટુરિઝમ ઇકોસિસ્ટમની પણ નિરિક્ષણ મુલાકાત કરશે.
મુખ્યમંત્રી ૨૨ ઓક્ટોબરે તાશ્કંદની મુલાકાતે જશે અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પણ કરશે અને મ્યુઝિયમની મુલાકાત કરશે. ત્યારબાદ શાસ્ત્રી સ્કુલની મુલાકાત લઇને બાળકો સાથે સંવાદ કરશે.
રૂપાણી બી-ટુ-બી બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં આયોજીત મહાત્મા ગાંધી પ્રદર્શનનું ઉદઘાટન મુખ્યમંત્રીશ્રી કરશે અને તાશ્કંદની AMITY યુનિવર્સિટી કેમ્પસની મુલાકાતે જશે.
તેઓ તાશ્કંદ-ઉઝબેકિસ્તાનમાં વસવાટ કરી રહેલા ગુજરાતી સમુદાયો સાથે ભોજન સહ બેઠકમાં ગુજરાતની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરવાના છે.
મુખ્યમંત્રી તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના અંતિમ દિવસે તા. ૨૩ ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત સવકત મીરઝી યોવેવ સાથે બેઠક યોજાશે અને બપોર બાદ ગુજરાત પરત આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઉઝબેકિસ્તાનના કૃષિ ફાર્માસ્યુટિકલ, ગોલ્ડ, ઓઇલ એન્ડ ગેસ, જેવા ક્ષેત્રોમાં ગુજરાતની સહભાગીતાની ઉજ્જવળ સંભાવનાઓ અને સબંધોનો સેતુ સુદ્રઢ કરવામાં મુખ્યમંત્રીશ્રીનો આ ઉઝબેકિસ્તાન પ્રવાસ ઉપયુક્ત બનશે.