દિલ્હીના મયૂર વિહારમાં ફરજ બજાવતા સીઆરપીએફના 31 બટાલિયનમાં 122 જવાનો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે. તેમજ હજી 100 જવાનોના કોરોનાના રિપોર્ટ આવવાના બાકી છે. કોરોના વાયરસના કારણે 28 એપ્રિલના રોજ એક જવાનનું મોત નિપજ્યું હતું. તે જ બટાલિયનના 45 જવાનો ગયા અઠવાડિયે જ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જેમની સંખ્યા વધીને હવે 122 સુધી પહોંચી ગઈ છે. સલામતી રૂપે સમગ્ર બટાલિયનને ક્વોરન્ટાઈન કરીને તમામની તપાસ શરૂ કરવામાં આવી છે.
28 એપ્રિલના રોજ દિલ્હીમાં ફરજ બજાવી રહેલા 55 વર્ષીય એક સબ ઈન્સ્પેક્ટરે સફદરજંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ ભર્યા હતા. આસામના રહેવાસી આ સબઈન્સ્પેક્ટર ડાયાબિટિઝ અને હાઈપરટેન્શનથી પીડાઈ રહ્યા હતા. આ સબ ઈન્સ્પેક્ટર સહિત 31 બટાલિયનના બાકીના જવાનો કુપવાડામાં ફરજ બજાવી રહેલા 162 બટાલિયનના પેરામેડિકલ સ્ટાફના સંપર્કમાં આવ્યા બાદ કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા હતા.
આ મેડિકલ સ્ટાફ સહિતના કેટલાક જવાનો રજા પર પોતાના ઘરે નોઈડા ગયા હતા. જ્યારે અચાનક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી તો રજા પર ગયેલા જવાનોને આદેશ આપવામાં આવ્યો કે તેઓ જ્યાં હોય ત્યાં જ રહે પરંતુ મેડિકલ સ્ટાફને કહેવામાં આવ્યું હતું કે જો તેમનાથી શક્ય હોય તો પોતાના ઘરની આસપાસના 15-20 કિલોમીટરના અંતરમાં જો કોઈ યૂનિટ આવેલું હોય તો તેઓ ત્યાં ફરજ પર જોડાઈ શકે જેથી જો પરિસ્થિતિ વણસી જાય તો તેમની સેવા લઈ શકાય.