ભારત અને ગુજરાત સરકાર જેના સ્વાગતની તડામાર તથા ખર્ચાળ તૈયારી કરે છે એ ટ્રમ્પે આજે આઘાતજનક નિવેદન આપ્યુ હતુ. વૉશિંગ્ટનમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે ‘હું હાલ ભારત સાથે કોઈ મોટી ટ્રેડ ડિલ કરવાનો નથી.
એ ડિલ તો ભવિષ્યમાં ચૂંટણી પછી થવાની હશે તો થશે. કેમ કે ભારતનું વર્તન આપણી સાથે બહુ સારૂં નથી.’ આ વાત ટ્રમ્પે હસતા હસતા કરી દીધી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર સર્વત્ર જોવાઈ રહ્યો છે. ટ્રમ્પે એ વાતનો પણ ઉમેરો કર્યો હતો કે ‘મોદી મારા બહુ સારા મિત્ર છે’.
એટલે સંભવ છે કે ભારત સાથે નાના-મોટા વેપાર કરારો થઈ શકે. પરંતુ ભારતને વેપારમાં લાભ થાય એવો મોટો કરાર થવાનો નથી. ટ્રમ્પને સૌથી વધુ ઉત્સાહ ભારતની પ્રચંડ જનસંખ્યા જોવામાં છે. કેમ કે અઠવાડિયામાં બીજી વખત ટ્રમ્પે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ભારતમાં લાખો લોકો અમારૂં સ્વાગત કરવાના છે.
દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ટ્રમ્પના વિધાન પછી સરકારની ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું હતુ કે ટ્રમ્પના વિધાનથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ ભારત સાથે દ્વિપક્ષીય નહીં એકપક્ષીય વેપાર કરવા આવે છે.
એટલે કે ટ્રમ્પ માત્ર અમેરિકાને લાભ થાય એ હેતુથી અહીં આવી રહ્યા છે. કોંગ્રેસના મનિષ તિવારીએ કહ્યું હતુ કે ટ્રમ્પે ભારતનું અપમાન કર્યું છે, સરકારે તત્કાળ તેમની પાસેથી ખુલાસો માંગવો જોઈએ. કોંગ્રેસના જ અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે શું ટ્રમ્પ ભગવાન છે? તેના માટે 70 લાખ લોકો એકઠા કરવાની શું જરૂર છે?
ટ્રમ્પે કહ્યું કે ‘અમે ઉતરશુ એ એરપોર્ટ અને જગતના સૌથી મોટા સ્ટેડિયમમાં જઈ રહ્યા છીએ, તેની વચ્ચે 70 લાખ લોકો અભિવાદન કરવા ઉભા હશે. એ અનુભવ રોમાંચક રહેશે.’ ટ્રમ્પ જોકે આ પ્રકારના આખાબોલાપણા માટે જાણીતા છે. ગમે તે દેશમા ંજઈને પણ ત્યાંના નેતા કે પ્રજાનું અપમાન કરવામાં તેમને સંકોચ થતો નથી.
ભૂતકાળમાં તેઓ ભારતને અમેરિકા દ્વારા મળતી સહાય સામે વિરોધ રજૂ કરી ચૂક્યા છે. ભારત-ચીન જેવા દેશો જ દુનિયામાં પ્રદૂષણ ફેલાવે છે એવો આક્ષેપ એકથી વધુ વાર કરી ચૂક્યા છે. ભારતને અપાતા વેપારના વિશેષાધિકારો પણ ટ્રમ્પે રદ કરી દીધા છે. અગાઉ ટ્રમ્પ ચૂંટણીમાં આપેલા વચન પ્રમાણે મેગા એશિયા ટ્રેડ ડિલમાંથી અમેરિકાનુ નામ પાછુ ખેંચી ચૂક્યા છે.
ભારતની એવી અપેક્ષા છે કે ભારતમાંથી અમેરિકામાં નિકાસ પામતી અમુક ચીજો પર ડયુટી ઓછી કરવામાં આવે. જેથી ભારતની નિકાસ વધી શકે. કાશ્મીર કે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પ ભારતનો સાથ આપે છે, પરંતુ જ્યારે વેપાર કરવાની વાત આવે ત્યારે ટ્રમ્પ અમેરિકાનું હિત હોય એવુ જ પગલું ભરે છે.
અમેરિકા ચીન પછી બીજું મોટું વેપારી ભાગીદાર
વેપારની દૃષ્ટિએ અમેરિકા ચીન પછી ભારતનું બીજા નંબરનું મોટું ભાગીદાર છે. વર્ષ 2019ના પ્રથમ ત્રણ માસમાં અમેરિકામાં ભારતની 65.6 અબજ ડૉલરની નિકાસ થઈ હતી. એ સમયમાં જ અમેરિકાએ ભારતને 45.3 અબજ ડૉલરની ચીજ-સેવાઓ વેચી હતી. એટલે કુલ ટ્રેડ 111 અબજ ડૉલર જેવો નોંધાયો હતો. 2018માં ભારત -અમેરિકા વચ્ચે વિક્રમજનક રીતે 142.6 અબજ ડૉલરનો વેપાર થયો હતો. તેમાં ભારતની નિકાસ 83.9 અબજ ડૉલર જ્યારે આયાત 58.7 અબજ ડૉર હતી. અમેરિકા માટે ભારત 12મુ સૌથી મોટુ આયાતકાર રાષ્ટ્ર છે. જ્યારે આયાતમાં 10મુ મોટુ ભાગીદાર છે.
ફરીથી વેપાર સંધિ થશે?
ભારત તરફથી પ્રયાસો થઈ રહ્યા છે કે 2010-11માં હતો એવો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) ફરીથી અમેરિકા સાથે થાય. પરંતુ અમેરિકા એવા કોઈ કરાર કરવાની ઉતાવળમાં નથી. અમેરિકા ભારતને મોંઘા ભાવના શસ્ત્રો તથા અન્ય પ્રોડક્ટ વેચવા માગે છે. ભારત સરકારના અિધકારીઓ ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છે કે ટ્રમ્પના આગમન વખતે કોઈ મોટી ડિલ થાય.
સાથે વેપાર પ્રતિનિધિ આવશે?
ટ્રમ્પ સાથે અમેરિકી સરકારના વેપાર પ્રતિનિિધના અિધકારીઓ આવશે કે કેમ એ હજુ સ્પષ્ટ નથી. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટીવ રોબર્ટ લિગ્ઝાઈટર ફેબુ્રઆરીના આરંભે જ ભારતમાં હતા. એ કદાચ ટ્રમ્પ સાથે ફરીથી આવી શકે છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી (વેપાર મંત્રી) વિલ્બર રોસ, નાણા મંત્રી સ્ટિવન મન્ચીન, સલાહકાર (જે ટ્રમ્પના જમાઈ છે) જેરેડ કુશ્નર વગેરે પણ શામેલ થઈ શકે છે.
ભારત 2.4 અબજના હેલિકોપ્ટર ખરીદશે
દરમિયાન ભારતે નૌકાદળ માટે અમેરિકા પાસેથી ખરીદવાના 2.4 અબજ ડૉલરના હેલિકોપ્ટરનો સોદો મંજૂર કરી દીધો છે. અલબત્ત, ભારતીય કેબિનેટે આ સોદાને મંજૂરી આપી છે, પરંતુ ટ્રમ્પના આગમન વખતે તેના પર સહી સિક્કા થશે કે કેમ એ હજુ નક્કી નથી. નોકાદળ માટે ભારતે એન્ટિ સબમરિન અને મલ્ટિ રોલર એમએચ-60 હેલિકોપ્ટર ખરીદવાના છે. રોમિયો તરીકે ઓળખાતા કુલ 24 હેલિકોપ્ટર ભારત ખરીદવા તૈયાર છે.
ટ્રમ્પની મુલાકાત વખતે કોઇ આતંકી હુમલો નહીં થવા દઇએ : કાશ્મીર પોલીસ
જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે તે દરમિયાન કાશ્મીરમાં આતંકીઓ કોઇ પણ પ્રકારનો હુમલો ન કરે અને કોઇ આપરાધીક પ્રવૃત્તિ ના કરે તેની તકેદારી રાખવામાં આવશે. આ પહેલા એવા અહેવાલો હતા કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન જૈશ એ મોહમ્મદ સહીતના આતંકી સંગઠનો કાશ્મીરમાં કે દેશના અન્ય ભાગોમાં કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે.

