LRD તાલીમાર્થીઓનો દિક્ષાંત સમારોહ;629 પૈકીના 8 એન્જિનિયર, 248 સ્નાતક

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરા શહેરમાં પ્રતાપનગર ખાતે પોલીસ તાલીમ શાળા આવેલી છે. છ દાયકા કરતાં વધુ સમયથી કાર્યરત આ શાળામાં આગામી રવિવારે લોકરક્ષક દળનો દિક્ષાંત સમારોહ યોજાવાનો છે. આ દિક્ષાંત સમારોહમાં 629 તાલીમાર્થીઓને દળમાં જોડવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાનાર સમારોહમાં હથિયારી લોકરક્ષક દળની બીજી બેચમાં અતિ શિક્ષિત તાલીમાર્થીઓ પણ પોલીસમાં જોડાશે. 629 તાલીમાર્થીઓમાંથી 8 એન્જિનિયર 248 સ્નાતક અને 28 અનુસ્નાતકોનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે ક્રમશઃ ગુજરાતનું પોલીસ દળ, જે દેશનું સહુથી યુવા પોલીસ દળ છે તે સહુથી ઉચ્ચ શિક્ષિત પોલીસ દળ બનવા તરફ અગ્રેસર છે.

શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી પોલીસ તાલીમ શાળા, વડોદરાની સ્થાપના સન ૧૯૫૫માં થઇ હતી. આ પ્રતિષ્ઠિત પોલીસ તાલીમ સંસ્થા રાજય પોલીસ દળમાં જોડાવા માટે પસંદ થયેલા કોન્સ્ટેબલ કક્ષાના જવાનોને પ્રશિક્ષણથી સુસજ્જ કરવાનું કામ છેલ્લા ૬૪ વર્ષથી કરી રહી છે. આ વ્યાપક કાર્યકાળ દરમિયાન આ સંસ્થાએ 66938 જવાનોને તાલીમબદ્ધ કરવાનું ભગીરથ કામ કર્યું છે અને રાજય પોલીસ બેડાને મજબૂત કર્યું છે.

રવિવારના રોજ સવારના 7.00 વાગે રાજયના ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા આ નવા જવાનોને, જે તે જિલ્લાઓના પોલીસ દળમાં જોડાઇને પોલીસમેન તરીકે કારર્કિદી શરૂ કરવા દિક્ષાંત વિદાય આપશે. ગણવેશધારી જવાનો શિસ્તબદ્ધ અને શાનદાર પરેડ દ્વારા તેમને સલામી આપશે. તેઓ તાલીમ દરમિયાન ઉજ્જવળ દેખાવ કરનારા જવાનોને વિભૂષિત કરશે. આ પ્રસંગે રાજયના અધિક પોલીસ નિર્દેશક (તાલીમ) શ્રી વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહેશે.