LRD પેપરકાંડઃ મુખ્ય આરોપીની ધરપકડ, દિલ્હી પોલીસમાં કરતો હતો નોકરી

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં બહુચર્ચિત LRD પેપરલીક કાંડમાં ગુજરાત એટીએસએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલો શખ્સ પ્રોફેશનલ ગેંગનો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ગુજરાત પોલીસે સમગ્ર કેસ ઉકેલી મુખ્ય આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

પેપરલીકનો ગુનો દાખલ થયા બાદ ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસે તાત્કાલિક આ પ્રોફેસનલ ગેંગને પકડવા કમર કસી હતી. અને ગણતરીના દિવસોમાં જ 30થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ઘણા રાજ્યોમાં આ કેસની તપાસ કર્યા બાદ ધંધાદારી ગેંગ હોવાનું સામે આવ્યું હતું. એટીએસની ગુપ્ત તપાસમાં મુખ્ય સુત્રધાર વિનોદ ચિખારાનું નામ સામે આવ્યું હતું. અને આખરે તેને પકડવા ચક્રોગતિમાન કર્યા. દરમિયાન સર્વેલન્સના આધારે આરોપી વિનોદ ચિખારાની ગુડગાંવથી ધરપકડ કરાઈ.

આરોપી વિનોદ ચિખારા અગાઉ પકડાયેલા આરોપીઓની મદદથી કર્ણાટક ખાતે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રશ્નપત્રની ચોરી કરી હતી. ચોરી કરેલુ પ્રશ્નપત્ર વિનોદ ચિખારાએ વિરેન્દ્ર માથુરને આપ્યું હતું. જેના બદલામાં વિરેન્દ્રએ વિનોદને એક કરોડ આપવાના નક્કી કર્યા હતા. અને એડવાન્સમાં 9 લાખ 70 હજાર આપ્યા પણ હતા. પેપર વહેંચવા માટે વિરેન્દ્રએ મોનુ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ મોનુના ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેપર પરીક્ષા ઉમેદવારોના અનેક સંપર્કો હતા. જે મુજબ મોનુ ગુજરાતથી ઉમેદવારોને પરીક્ષાના એક દિવસ પહેલા દિલ્હી લઈ ગયો હતો અને આ ઉમેદવારોને પેપર ગોખાવ્યું અને ચાર કલાકમાં જ વિનોદ પેપર લઈ જતો રહ્યો હતો. અને પેપર લીક થતા જ વિનોદ અને વિરેન્દ્રએ એકબીજા વચ્ચે સંપર્ક તોડી નાખ્યા

વિનોદ વર્ષ 2010માં દિલ્લી પોલીસમાં બોગસ રીતે કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો. અને 2015માં તેને બરતરફ કરવામાં આવ્યો હતો. 2017માં વિનોદએ કર્ણાટકમાંથી નીટના પેપરની ચોરી કરી હતી. આ ચોરી કરવા માટે તે પહેલા પ્રિન્ટિંગ પ્રેસમાં ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાત પેપર લીક કૌભાંડ સામે આવતા જ આરોપી વિનોદ સતત રહેણાંક બદલી દેતો હતો. આરોપીએ અન્ય રાજ્યોની અનેક પરીક્ષાઓના પેપર પણ લીક કર્યા હોવાની શંકા રાખી પોલીસે તપાસ હાથ ધરી છે.