ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપ્યો છે. કોર્ટે તેમને NDPS (નારકોટીક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ એકટ,1985) કેસમાં જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ સપ્ટેમ્બર 2018થી જેલમાં બંધ છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ગુજરાત સીઆઈડીએ સપ્ટેમ્બર 2018ના રોજ 22 વર્ષ જૂના એક મામલામાં ધરપકડ કરી હતી. પૂર્વ આઈપીએસ અધિકારી અને 7 અન્ય વ્યક્તિઓએ 22 વર્ષ પહેલાં કથિત રીતે માદક પદાર્થ રાખવાના મામલામાં એક વ્યક્તિની પુછપરછ કરવા માટે ધરપકડ કરી હતી. ભટ્ટ 1996માં બનાસકાંઠા જિલ્લાના પોલિસ અધિક્ષક હતા.
ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટના નેતૃત્વમાં બનાસકાંઠા પોલિસે વકીલ સુમેર સિંહ રાજપૂતની લગભગ એક કિલોગ્રામ માદક પદાર્થ રાખવાના આરોપમાં 1996માં ધરપરડ કરી હતી. તે સમયે બનાસકાઠા પોલિસે દાવો કર્યો હતો કે માદક પદાર્થ જિલ્લાના પાલનપુરમાં હોટલના તે રૂમમાંથી મળ્યો હતો, જેમા રાજાપુરોહિત રોકાયા હતા. રાજસ્થાન પોલિસની તપાસમાં એ વાત પ્રકાશમાં આવી હતી કે રાજપુરોહિતને આ મામલામાં બનાસકાંઠા પોલિસે ખોટી રીતે ફસાવ્યો હતો, જેથી તેની પર પોતાની રાજસ્થાનના પાલી સ્થિત વિવાદિત સંપતિ ટ્રાન્સફર કરવા માટે દબાણ કરી શકાય.