રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોક્સો કાયદા હેઠળ આવતાં મામલાઓમાં આરોપીઓને માફીના અધિકારથી વંચિત કરવાની ભલામણ કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આવા આરોપીઓને આ પ્રકારના અધિકાર આપવાની કોઇ જરુરત નથી.
રાષ્ટ્રપતિએ આ વાત માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીના મુખ્ય સ્થળે સામાજીક પરિવર્તન માટે મહિલા સશક્તિકરણ પર રાષ્ટ્રીય સમ્મેલનના ઉદઘાટન દરમિયાન કહી હતી. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધી રહેલા અપરાધો વિશે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રકારના આરોપીઓને સંવિધાનમાં માફી અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મારુ કહેવું છે તેની પર પુન:વિચાર કરવો જોઇએ.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પોક્સો એક્ટ હેઠળ આવતાં તમામ ગુનાઓમાં આરોપીઓને માફી અપીલના અધિકારથી વંચિટ કરી દેવા જોઇએ, આ મામલે સંસદમાં પગલું લેવાની જરુર છે. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે, હવે આ આપણી સંસદ પર આધાર રાખે છે. એમાં એક સંવિધાન છે અને તેમાં સુધારો, પરંતુ આ દિશામાં આપણા સૌનો વિચાર આગળ વધી રહ્યો છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહિલા સુરક્ષા એક અતિ ગંભીર વિષય છે. આ મામલે બહુ જ કામ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ કંઇક કરવાનું બાકી છે. કિશોરોથી માંડીને યુવકોમાં મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના મજબૂત કરવાની જવાબદારી દરેક માતા-પિતાની છે.
નોંધનીય છે કે, નિર્ભયા ગેંગરેપ-મર્ડરના આરોપીઓની માફી અરજી ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે મોકલી આપી છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને આ અરજીને ફગાવી દેવાની અપીલ પણ કરી છે.

