કેઇરોન પોલાર્ડ અને હેતમેયરની ઝંઝાવાતી બેટિંગ બાદ લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતાં ભારતે શુક્રવારે અહીં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે છ વિકેટથી વિજય હાંસલ કરીને વર્તમાન સિરીઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. બીજી મેચ નવમીએ રમાશે. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને છ સિક્સર સાથે અણનમ 94 રન ફટકાર્યા હતા.
અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારત માટે લોકેશ રાહુલ અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને 208 રનના ટારગેટને આસાન બનાવી દીધો હતો. ભારતે ટોસ જીત્યા બાદ વેસ્ટ ઇન્ડિઝને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરને અંતે પાંચ વિકેટે 207 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ભારતે 18.4 ઓવરમાં ચાર વિકેટે 209 રન કર્યા હતા.
રોહિત શર્માની વિકેટ બીજી જ ઓવરમાં પડી ગયા બાદ વિરાટ કોહલી અને લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ 13.2 ઓવરમાં સદીની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે તેની ટી20 કારકિર્દીની સાતમી અડધી સદી ફટકારતાં 40 બોલમાં ચાર સિક્સર સાથે 62 રન નોંધાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. ટી20માં સૌથી વધુ અડધી સદીનો રેકોર્ડ ધરાવતાં કોહલી માટે આ 23મી અડધી સદી હતી. વિરાટ કોહલીએ અંતે 50 બોલમાં છ સિક્સર અને છ બાઉન્ડ્રી સાથે 94 રન ફટકાર્યા હતા. રિશભ પંત નવ બોલમાં બે સિક્સર સાથે 18 રન ફટકારીને આઉટ થયો હતો.
અગાઉ વેસ્ટ ઇન્ડિઝે પ્રારંભમાં જ લેન્ડલ સિમન્સની વિકેટ ગુમાવી હતી પરંતુ ત્યાર બાદ એવિન લેવિસ, શિમરોન હેતમેયર અને કેઇરોન પોલાર્ડે ઝંઝાવાતી બેટિંગ કરીને ટીમનો સ્કોર 200 ઉપર પહોંચાડી દીધો હતો. ટી20 ઇન્ટરનેશનલમાં વેસ્ટ ઇન્ડિઝે બીજી વાર ભારત સામે 200થી વધુનો સ્કોર કર્યો હતો.