ગઈકાલે સમગ્ર ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઇ ગયું. ગુજરાતમાં સરેરાશ 63.91 ટકાની આસપાસ મતદાન થયું. આ દરમિયાન ક્યાંક ઇવીએમમાંથી સાપ નિકળ્યો તો ક્યાંક ઘર્ષણની પણ ખબરો સામે આવી. આ દરમિયાન આજે બોટાદમાં મતદાન દરમિયાન થયેલી માથાકૂટની અદાવત રાખી ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા જીવલેણ હુમલો કરાયો છે.
બોટાદ ખાતે ગઇ કાલે યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે મોડી રાત્રે પોલિસ સ્ટેશન પહોચ્યા બાદ સમાધાન થઇ ગયેલ હતું.
જ્યારે આજે સવારે 10 વાગ્યાના સુમારે ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ જે કે બાવળિયા કોઈ કામથી જઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના 4 જેટલા કાર્યકરો લાકડી અને ધારદાર હથિયારો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે કે બાવળિયા લોહીલુહાણ હાલતમાં બોટાદ ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા બાદ તબિયત વધારે નાજુક બનતાં ભાવનગર ખાતે ખસેડાયા હતા. આ મામલામાં બોટાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

