પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી આઈસીયુમાં, તબીબોને દેખરખ હેઠળ સારવાર ચાલુ, પીએમ મોદી-અમિત શાહ AIIMS પહોંચ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીની માંદગીએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારે 11 વાગ્યે તેમનું સ્વાસ્થ્ય કથળતાં AIIMSમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેમની આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. આજે(9 જૂલાઈ) રૂટિન ચેકઅપ પછી તરત તેમને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા હતા. મોડી સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જેટલીની તબિયત અંગે પૃચ્છા કરવા AIIMSની મુલાકાત લીધી હતી.

સોફ્ટ ટિશ્યુ કેન્સરની માંદગી
કિડની પ્રત્યારોપણ પછી જેટલીના ડાબા પગે સોફ્ટ ટિશ્યુ કેન્સરની ગંભીર માંદગી લાગુ પડી હતી. તેની સારવાર માટે આ વર્ષના જાન્યુઆરીમાં તેમણે અમેરિકાની મુલાકાત લીધી હતી. માંદગી અને સારવારના કારણે જ તેમણે એનડીએ સરકારની બીજી ટર્મમાં પ્રધાનમંડળમાં ન જોડાવા અંગે પત્ર લખીને મોદીને વિનંતી કરી હતી.

ભાજપના દિગ્ગજ નેતાઓ AIIMS પર
જેટલીના કથળતા જતાં સ્વાસ્થ્ય અંગેના સમાચાર વહેતા થયા કે તરત આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન AIIMS પહોંચી ગયા હતા. એ પછી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા. વડાપ્રધાન મોદી પણ પોતાના નિર્ધારિત કાર્યક્રમો ટુંકાવીને AIIMS આવે એવી શક્યતા છે.