વડોદરાઃ ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ રાત્રે 11 વાગ્યે 213.10 ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 20 ફૂટ થઇ છે. સવારથી જ વધી રહેલી સપાટીને પગલે સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરે વડોદરા શહેરની શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2:30 કલાકે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી 16 ફૂટ હતી. જે રાત્રે વધીને 20 ફૂટ પહોંચી હતી. એટલે કે 9 કલાકમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં 4 ફૂટનો વધારો થયો છે.
વડોદરા શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ
વડોદરા શહેરમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વડોદરાના રાવપુરા, કારેલીબાગ, નિઝામપુરા, રાજમહેલ રોડ, માંજલપુર અને અલકાપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા કલેક્ટરે અપીલ કરી
વડોદરા શહેરને પાણી પુરૂ પાડતા આજવા ડેમની સપાટી વધવાને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે અપીલ કરી છે. અને તકેદારીના જરૂરી પગલાં લેવા, જરૂર જણાય તો ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી છે. વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગઇ છે.
લોકોએ સામાન સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી
વિશ્વામિત્રીમાં સર્જાયેલી પૂરની સ્થિતીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોએ સાવચેતીના ભાગરૂપે ઘરનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને સંભવતઃ પૂરની સ્થિતિ વકરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લઇને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના વેપારીઓ પણ એલર્ટ થઇ ગયા છે. અને સંભવત પૂરની સ્થિતિને પગલે શહેરીજનો ચિંતાતૂર બની ગયા છે.
એન.ડી.આર.એફ અને ફાયર બ્રિગેડને એલર્ટ કરાયા
વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર ચિંતામાં મુકાયું છે અને એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ, વીજ કંપનીને એલર્ટ કરી દેવાયા છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપભેર વધી રહેલી સપાટી અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરાયા હતા.
લોકોએ દૂધ અને શાકભાજીનો પૂરવઠાનો સ્ટોક કર્યો
છેલ્લા 10 દિવસમાં વિશ્વામિત્રી નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતી સંભવતઃ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી દહેશતને પગલે શહેરીજનોએ જીવન જરૂરી દૂધ, શાકભાજીનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે.
મંજુસર જીઆઇડીસીમાં કેડ સમા પાણી ભરાયા
સાવલી તાલુકામાં ભારે વરસાદને પગલે મંજુસર જીઆઇડીસીમાં કેડ સમા પાણી ભરાઇ ગયા છે. જેથી કર્મચારીઓને કંપનીમાં જ રોકાવું પડે તેવી સ્થિતિ થઇ છે.

