ભૂતકાળનો ભાર કોંગ્રેસ હવે ખમી શકતી નથી
કોંગ્રેસ દેશનો સૌથી જૂનો પક્ષ છે એટલે સ્વાભાવિક રીતે જ તેના માથે કરેલાં કામોનું અને કરેલી ભૂલોનું ભારણ પણ સૌથી મોટું હોય. પરંતુ રાજનીતિ એને જ કહેવાય જે થયેલી ભૂલોને ભૂલવાડીને કરેલા કામોને મોટા કરી બતાવે. આ બાબતમાં કોંગ્રેસની સરખામણીએ ટૂંકી કારકિર્દી છતાં ભાજપ ગુરુ સાબિત થાય છે. ભાજપે કરેલી ભૂલો કોઈને યાદ સુદ્ધાં આવતી નથી. કારણ કે પ્રચારનું તંત્ર અને ચામડીની જાડાઈ એટલી સાબૂત છે. જ્યારે કોંગ્રેસ નહેરુની, ઈન્દિરાની, રાજીવની ભૂલોનો જવાબ આપવામાંથી ઊંચી જ આવતી નથી. કાશ્મીરની નિષ્ફળતા, કટોકટી, બોફોર્સ, શાહબાનો કેસ આ દરેક બાબતોના ભારથી કાયમ ઝૂકેલી રહેતી કોંગ્રેસ બચાવમાં જ એટલી પરોવાયેલી રહે છે કે વિપક્ષ તરીકે આક્રમક બની શકતી નથી.
ડુંગળી અને ડફણાં બેય ખાય છે કોંગ્રેસ
પહેલો ફટકો પડ્યો ગત લોકસભાના આખરી સેશનમાં, જ્યારે ભાજપે સવર્ણોને આર્થિક અનામત આપવાનો ખરડો મૂક્યો. આ એવો પ્રસ્તાવ હતો કે તેનો વિરોધ કરે તો બહુ મોટી વોટબેન્કમાં અળખામણાં થવું પડે અને સમર્થન કરે તો ભાજપને તગડો ફાયદો થાય. આ કોથળામાં એક એવી પાંચશેરી હતી કે માર ખાધે જ છૂટકો. એ પછી ચૂંટણીમાં ભૂંડે હાલે પરાસ્ત થયા પછી ટ્રિપલ તલાકમાં બીજો ફટકો ખાધો. આ ખરડાની તરફેણ કરીને કોંગ્રેસે ખાસ કશું ગુમાવવાનું ન હતું. કારણ કે મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ બહુમતી સમાજ માટે અળખામણી બની ચૂકી છે. ખુદ રાહુલ ગાંધીએ પણ છેલ્લાં કેટલાંક સમયથી સોફ્ટ હિન્દુત્વનો પ્રયોગ કરી લીધો છે. એ સંજોગોમાં કોંગ્રેસે ટ્રિપલ તલાકને સમર્થન આપ્યું હોત તો જરાક હસતાં મોંએ ફોટો પડાવી શકાયો હોત. તેને બદલે રાહુલ-સોનિયાએ મૌન રાખ્યું, તેની સામે ગુલામનબી આઝાદે પૂરતી બેટિંગ કરી લીધી. સરવાળે ડુંગળી ય ખાધી ને ડફણાં ય ખાધા. ન ખુદા મિલા, ન વિસાલ-એ-સનમ. ન લઘુમતિ રાજી થઈ, ન બહુમતિની નારાજગી દૂર થઈ.
મરણચીસ પણ ન નીકળે એ કેવું મૌન?
હિન્દી ફિલ્મ શૂટઆઊટ એટ લોખંડવાલામાં એક પાત્ર છે, જેણે ભૂતકાળમાં એક નિર્દોષ પરિવારની હત્યા કરી છે. હવે સમય જતાં પોતે કરેલી ભૂલની ભૂતાવળ તેનાં દિમાગમાં એવી નાચે છે કે છાશવારે તેને એ પરિવાર નજર સામે દેખાય અને ત્યારે એ સ્થળ, કાળ કે પરિસ્થિતિ ભૂલીને સ્તબ્ધ બનીને ખોડાઈ જાય. કલમ 370ની વાત નીકળે ત્યારે કોંગ્રેસની હાલત બિલકુલ એવી જ થાય છે. તેની પાસે ન તો કોઈ બચાવ હોય છે કે ન તો કોઈ તાર્કિક દલીલ.
ભાજપ દાયકાઓથી શોરગૂલ મચાવીને તેને નહેરુની ભૂલ ગણાવી રહ્યું છે. હજુ ગુરુવારે જ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડાપ્રધાન મોદીએ કલમ 370 નાબુદ કરવાના પગલાંને સરદાર પટેલનું સપનું પૂર્ણ થયા બરાબર ગણાવ્યું. વિરોધી પર આક્રમણ કરવું, તેને દોષિત ઠરાવવો એ રાજનીતિનો ક્રમ છે. એટલે ભાજપે તો પોતાનું કામ કર્યું ગણાશે.
પરંતુ ભાજપના પ્રચારના મારા સામે કોંગ્રેસ કેમ સંમોહિત થઈને સ્તબ્ધ થઈ જાય છે? કોંગ્રેસને કોઈ દસ્તાવેજી પૂરાવા મળતાં જ નથી, જેમાં આ કલમ લાગુ કરવા પાછળ સરદારની ભૂમિકા દર્શાવી શકે? નહેરુએ નાછૂટકે આ કલમ લાગુ કર્યા પછી વખત આવ્યે અબ્દુલ્લાને જેલભેગા ય કર્યા હતા અને તેમને ઉથલાવીને કલમ 370 હટાવવાનો કારસો ય રચ્યો હતો. એ વિશેના પણ તથ્યાત્મક પૂરાવાઓ પ્રાપ્ય જ છે. કોંગ્રેસના એકપણ નેતા પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પણ એ પૂરાવાઓ ચકાસીને જનતા સમક્ષ પોતાના બચાવમાં મૂકવાની જહેમત નથી લઈ શકતાં? ઈન્દિરાના શાસનમાં કલમ 370ની ઘણી ખરી જોગવાઈ મોળી પાડી દેવાઈ હતી. તેનાં એકપણ આધાર-પૂરાવા કોંગ્રેસને જડતાં નથી? કોંગ્રેસના ગળાનો હૈડિયો દબાઈ ચૂક્યો છે અને છતાં ય તેના ગળામાંથી મરણચીસ નીકળતી નથી. આ તો કેવું મૌન?
ન તો ફ્લોર મેનેજમેન્ટ, ન તો કોઈ પોલિસી
કાશ્મીરનું વિભાજન કરીને કેન્દ્ર સરકાર ઐતિહાસિક નિર્ણય લઈ રહી હતી ત્યારે દેશભરના કોંગ્રેસીઓ તીવ્ર અવઢવમાં હતા. ન્યૂઝ ચેનલો પ્રતિક્રિયા માટે તેમને ફોન કરતી હતી ત્યારે તેમને સૂઝતું જ ન હતું કે આપણે શું કહેવાનું છે! કોંગ્રેસના નેતાઓ કે કાર્યકર્તાઓની વાત તો છોડો, સાંસદોને ખુદને જ ગતાગમ ન હતી કે આ મુદ્દે આપણે શું સ્ટેન્ડ લેવાનું છે! જ્યોતિરાદિત્યે સરકારના પ્રસ્તાવનું સમર્થન કર્યું. દિગ્વિજયે તરત કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે મૌન જાળવ્યું. અધિરરંજને વળી એવી બેહુદી દલીલો કરી કે સોનિયાએ તેમને અટકાવવા પડ્યા અને ગુલામનબી આઝાદે સોઈ ઝાટકીને સરકારનો વિરોધ કર્યો. આ કોઈ રાષ્ટ્રીય પક્ષના લક્ષણ છે? કલમ 370 હટાવવા જેવાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર પણ પક્ષનું કોઈ નિશ્ચિત વલણ જ ન હોય એ પક્ષ ક્યા મોંઢે મત માંગવા જશે?
હવે અસ્તિત્વનો સવાલ
તદ્દન દિશાહિન બની ચૂકેલી કોંગ્રેસ હાલ પ્રમુખવિહોણી છે. રાહુલને હરિરસ ખાટો થઈ ચૂક્યો છે અથવા તો ખાટો લાગતો હોવાનો દેખાડો કરે છે. સોનિયા, પ્રિયંકા પ્રમુખપદની હોડમાં નથી એ પણ સ્પષ્ટ છે. નવા નેતાનું નામ નક્કી નથી. નીતિ જેવું તો કશું રહ્યું નથી અને હોય તો ક્યાંય વર્તાતું નથી. ભાજપશાસિત કેન્દ્ર સરકાર એક પછી એક પાંચશેરી ફટકારતું જાય છે. આ સ્થિતિમાં દિગ્મૂઢ (જેને એકેય દિશાની સૂઝ નથી રહી એવી) કોંગ્રેસ જો વેળાસર નહિ જાગે તો આજે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે, આવતીકાલે કાગળ પર જ ક્યાંય નહિ હોય.