નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા તેને 29 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. નીરવ મોદીને લંડન સ્થિત હર મેજેસ્ટી પ્રિઝન (એચએમપી) જેલમાં લઈ જવાયો હતો. મોદીને અહીં એક અલગ સેલમાં રાખવામાં આવી શકે છે. જો કે અહીં કેદીઓની સંખ્યા વધુ હોવાથી તેને અન્ય કેદીઓ સાથે સેલમાં રાખી શકાય છે. આ જેલમાં જે અન્ય આરોપીઓ કેદ છે તેમાં દાઉદ ઈબ્રાહીમના સાથી અને પાકિસ્તાનના વતની જબીર મોતીનો પણ સમાવેશ થાય છે. અન્ય કેદીઓમાં ડ્રગ્સના દાણચોરો, માનસીક બીમારી ધરાવતા અપરાધીઓનો સમાવેશ થાય છે. આ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાનો એક રિપોર્ટ સરકારે જ જાહેર કર્યો હતો.
48 વર્ષીય મોદીની સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન ના મળતા જેલ હવાલે કરાયો છે. ભારતે ઓગસ્ટ 2018માં નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી હતી. નીરવ મોદીએ કોર્ટમાં પ્રત્યાર્પણનો સામનો કરવા જણાવ્યું તેમજ 5,00,000 પાઉન્ડ સિક્યોરિટી ડીપોઝિટ આપવાની ઓફર પણ કરી. જો કે નીરવ મોદી પર મોટા કૌભાંડનો આક્ષેપ હોવાથી જજે આ માગણી ફગાવી દીધી હતી અને જામીન આપવા ઈનકાર કર્યો હતો. નીરવ મોદી ત્રણ દેશનો પાસપોર્ટ ધરાવે છે જે તેના જામીન રદ થવાનું સૌથી મોટું કારણ બન્યું હતું. આ કેસની આગામી સુનાવણી 29 માર્ચે થશે.