RBIએ કાર્યવાહી કરતા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર આગામી છ મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ હેઠળ બેન્ક કોઇ પણ આર્થિક વ્યવહાર જેવા કે બેન્ક લોન આપવા, લોન રિન્યુ કરવા, રોકાણ કે દેવા જમા લેવા વગેરે નહી કરી શકે. પીએમસી બેન્કમાં ખાતા ધરાવતા ગ્રાહકો માટે પણ હાલાકી ઉભી થઇ છે કારણ કે, આરબીઆઇના પ્રતિબંધને કારણે તેઓ 1હજાર રુપિયાથી વધારે કાઢી શકશે નહી. આરબીઆઇ મંગળવારે આ નિર્દેશ જારી કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે બેન્ક પાસે ગ્રાહકોના 11 હજાર કરોડ રુપિયા જમા છે. જો આરબીઆઇએ નિર્દેશમાં જણાવ્યું હતું કે, બેન્કનું લાયસન્સ દર કરવામાં આવ્યુ નથી, તેની પર હાલમાં માત્ર પ્રતિબંધ જ લાદવામાં આવ્યો હતો.
બેન્કના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2018-19માં નફો 1.20 ટકા ઘટીને 99.69 કરોડ રુપિયા થયો. Net NPA 1.05 ટકાથી વધીને 2.19 ટકા પહોંચી ગઇ. પીએમસી બેન્ક પર એનપીએ ઓછી દર્શાવવાના અને સંચાલનમાં ખામીઓ હોવાના આરોપ લાગ્યા છે. આરબીઆઇએ નિર્દેશમાં જણાવ્યું હતું કે પ્રતિબંધો હેઠળ બેન્ક તેના આર્થિક વ્યવહારો કરી શકશે પરંતુ કોઇ પણ પ્રકારનો નિર્ણય લેવા માટે તેની પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
પીએમસી અર્બન કો-ઓપરેટિવ બેન્ક છે અને તે મહારાષ્ટ્ર, નવી દિલ્હી, કર્ણાટક, ગોવા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં કુલ 137 શાખાઓ સાથે કાર્યરત છે. પીએમસી બેન્ક દેશની ટોપ 10 કો-ઓપરેટિવ બેન્કોની યાદીમાં સામેલ છે. બેન્કના વાર્ષિક રિપોર્ટ મુજબ 31 માર્ચ સુધી બેન્ક પાસે કુલ 1,814 કર્મચારીઓ હતા.

