રાજ્ય સહકારી બેન્ક ગોટાળા પ્રકરણે શરદ પવાર, અજીત પવાર સહિત ટોચના 70 જણા સામે ઈડીએ ગુનો દાખલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અને ચૂંટણીના ગાળામાં થયેલ આ કાર્યવાહીથી અજીત પવાર અને શરદ પવારની ચિંતામાં વધારો થશે. બે વર્ષ સુધી આ સંદર્ભે કોઈ હિલચાલ નોંધાઈ નહોતી પણ ચૂંટણી જાહેર થયા બાદ ગુનો નોંધાતા મહત્વના નેતાઓની અડચણ વધી ગઈ છે. કોંગ્રેસ અને એનસીપી માટે આ મોટા ધક્કા સમાન માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્કે વર્ષ 2005 થી 2010 દરમ્યાન મોટા પાયે મનફાવે તેમ લોનનું વિતરણ કર્યું હતું. તેથી બેન્કને 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ગોટાળો 25 હજાર કરોડ સુધી પહોંચી ગયો હતો.
આ પ્રકરણે પીઢ સમાજસેવક આણ્ણા હજારેએ ત્રણ વર્ષ પહેલા એક યાચીકા દાખલ કરી હતી ત્યાર બાદ આ પ્રકરણે તપાસ સમિતી પણ નિમવામાં આવી હતી. મુંબઈ પોલીસે હાઈકોર્ટના આદેશ મુજબ એમઆરએ પોલીસ સ્ટેશનમાં અજીત પવારના વિરોધમાં થોડા દિવસો પહેલા ગુનો દાખલ પણ કર્યો હતો. હવે ઈડીએ પણ આ બાબતે ગુનો દાખલ કરતા રાજ્યના રાજકીય વાતાવરણમાં વધુ ગરમાટો આવશે. તેવા ચિન્હો દેખાઈ રહ્યા છે.
આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા એનસીપીના સુપ્રીમો શરદ પવારે માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે જે સંસ્થામાં હું સભ્ય નથી અને સંસ્થાના કોઈ નિર્ણયમાં મારી કોઈ ભૂમિકા નથી તેમ છતા આ પ્રકરણે મારૂં નામ આવ્યંુ છે.
મને હજી આ બાબતે કોઈ નોટિસ મળી નથી. જો મારા પર ગુનો દાખલ થયો હશે તો હું તેનું સ્વાગત કરૂં છું. રાજ્યની કોઈપણ બેન્કનો હું ક્યારેય ડાયરેક્ટર નહોતો. ડાયરેક્ટર તરીકેની ચૂંટણી પણ હું ક્યારે લડયો નથી. તેવુ જણાવી આ સમગ્ર કાર્યવાહીની ટીકા પણ કરી હતી.

