નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો એલર્ટ, હાઈવે-પૂલો બંધ કરાયા

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ અનેક ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વડોદરા, તાપી અને સુરત અને ભરૂચ જિલ્લાના ગામોમાં હજુ વરસાદ પડે ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. જ્યારે છોટાઉદેપુરમાં 6 ઈંચ જેટલો વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા નદી બે કાંઠે, ગામોને એલર્ટ
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તાપીમાં પૂરની સ્થિતિ, હાઈ વે પર પાણી ફરી વળ્યા
જ્યારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગત જોરદાર વરસાદ પડતાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે તાપી નદીમાં પાણી વધી જતાં અક્કલકુવા, તળોદા, ધડગાવ, શહાદા તાલુકાની તમામ નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેની સાથે સાથે તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાંવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી અને સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન અક્કલકુવા શહેરની વરખેડી નદીમાં પૂર આવતાં મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના બોર્ડર આવેલા અંકલેશ્વર બરહારપૂર નેશનલ હાઈ વે પર પાણી ફરી વળ્યા હતા. તેમજ નેશનલ હાઈ વે સાથે નજીકના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

વિશ્વામિત્રી ભયજનક સપાટી તરફ, નાગરિકોને સાવચેત રહેવા સૂચના
વડોદરા શહેરને પાણી પુરૂં પાડતા આજવા ડેમની સપાટી વધવાને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના વિસ્તારો સહિત તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે અપીલ કરી છે. તેમજ તકેદારીના જરૂરી પગલાં લેવા, જરૂર જણાય તો ઊંચાઇવાળા સલામત સ્થળે ખસવાની પણ સૂચના આપી છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગઇ છે.

NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.

16 ગામોને વિજળીની અસર
દક્ષિણ ગુજરાતમાં NDRFની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે.