પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આકરા વલણ બાદ આખરે ઢીલા પડ્યા છે. તેમણે ડોક્ટરોને હડતાળ સમેટી કામ પર પરત ફરવાની અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે, ડોક્ટરોની તમામ માંગણીઓ સ્વિકારી લેવામાં આવી છે. આ મામલે ડોક્ટર્સ ઈચ્છે તો રાજ્યપાલ કે મુખ્ય સચિવ સાથે વાતચીત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં ડૉક્ટરો અને સરકાર વચ્ચેના ગજગ્રાહ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. મમતા બેનરજીએ કહ્યું હતું કે, ડોક્ટરો સાથે મારપીટની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં હજારો દર્દીઓ પર ડોક્ટરોની હડ્તાળની અસર થઈ છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે પણ કહ્યું છે કે, હોસ્પિટલોની સુરક્ષા કરવી એ અમારી પ્રાથમિકતા છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીના પરિજનોએ બે ડૉક્ટરો પર કથિત હુમલો કર્યો હતો, જેમાં બંને ડૉક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ત્યાર બાદ મંગળવારથી જ જૂનિયર્સ ડૉક્ટર હડતાળ પર ચાલી રહ્યા છે. વિવાદના મૂળમાં જે દર્દી છે તેનું મોત હોસ્પિટલમાં જ થયું હતું.
આ અગાઉ હડતાળ કરી રહેલા જૂનિયર ડૉક્ટરોએ પોતાની સુરક્ષાની આશંકા વ્યક્ત કરતા રાજ્ય સચિવાલયમાં મમતા બેનરજીએ સાથે શનિવારે બંધ બારણે બેઠકની ઓફરને ફગાવી દીધી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ પોતે જ આ ગતિરોધ દૂર કરવા ખુલ્લામાં ચર્ચા કરવા માટે એનઆરએસ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ આવવું જોઈએ. ડૉક્ટરોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, શનિવારે સાંજે સચિવાલયમાં મમતા બેનરજી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હડતાળ પર ઉત્તરેલા ડૉક્ટર્સનો કોઈ જ પ્રતિનિધિ શામેલ નહીં થાય.

