અનેક વખત ડેડલાઇન વર્ધાયા પછી ભારત સરકારે અંતે ૧૬ જૂનથી ૨૯ અમેરિકન વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાનો નિર્ણય લીધો છે. આ ૨૯ વસ્તુઓમાં બદામ, અખરોટ અને દાળ પણ સામેલ છે. આ સંદર્ભમાં ટૂંક સમયમાં નાણા મંત્રાલય દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવશે.
ભારત સરકારના આ નિર્ણયને કારણે અમેરિકાને આયાત ડયુટી સ્વરૂપે ૨૧.૭ કરોડ ડોલર વધુ ચૂકવવા પડશે એટલે કે ભારતની આવકમાં ૨૧.૭ કરોડ ડોલરનો વધારો થશે. અમેરિકાએ ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓ પર આયાત ડયુટી વધાર્યા પછી ભારતે ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ આ વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાનો નિર્ણય લીધો હતો.
જો કે આયાત ડયુટી મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે કોઇ ઉકેલ મળી આવે તે આશાએ ભારત સરકારે ડયુટી વધારવાનો નિર્ણય ટાળ્યો હતો. જો કે હવે ભારત સરકારે ૧૬ જૂનથી ૨૯ અમેરિકન વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાનો નિર્ણય લઇ લીધો છે અને આ સંદર્ભમાં અમેરિકાને પણ જાણ કરી દીધી છે. અખરોટ પરની આયાત ડયુટી ૩૦ ટકાથી વધારી ૧૨૦ ટકા કરવામાં આવી છે. ચણા અને મસૂરની દાળ પરની આયાત ડયુટી ૩૦ ટકાથી વધારી ૭૦ ટકા કરવામાં આવી છે. મસૂરની પરની આયાત ડયુટી વધારીને ૪૦ ટકા કરવામાં આવી છે.
બોરિક એસિડ પરની આયાત ડયુટી વધારીને ૭.૫ ટકા કરવામાં આવી છે. અન્ય જે વસ્તુઓ પર આયાત ડયુટી વધારવામાં આવી છે તેમાં કાજુ, આયર્ન અને સ્ટીલની વસ્તુઓ, સફરજન વગેરેનો સમાવેશ થાય છે.
ભારત દર વર્ષે અમેરિકામાં ૧.૫ અબજ ડોલરની સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓની નિકાસ કરે છે. ૨૦૧૭-૧૮માં ભારતે અમેરિકામાં ૪૭.૯ અબજ ડોલરની નિકાસ કરી હતી જ્યારે અમેરિકામાંથી ૨૬.૭ અબજ ડોલરની આયાત કરી હતી.

