અફઘાનિસ્તાનમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં 11 જણા માર્યા ગયા છે અને 13 જણા ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો અફઘાનિસ્તાનના પૂર્વીય નાંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં થયો. હુમલાખોરે અહીંયાની એક પોલીસ ચોકી પાસે પોતાને ઉડાવી દીધો.
પ્રાંતના ગવર્નરના પ્રવક્તા અતાહુલ્લાહ ખોગયાનીના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની અફઘાન શાખાએ હુમલાની જવાબદારી લીધી છે. તેમણે હુમલા અંગે જાણકારી આપતા કહ્યું કે મૃતકોમાં ઓછામાં ઓછું એક બાળક સામેલ છે. તો અન્ય ત્રણ બાળકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોમાંના કેટલાંકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
આત્મઘાતી હુમલાખોરના નિશાન પર સુરક્ષા દળના જવાન હતાં. હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં ઘણાં પોલીસકર્મી છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં છાશવારે સુરક્ષા દળો પર તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ હુમલા કરતા હોય છે.

