મુર્ધન્ય-પ્રખ્યાત લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન

ગુજરાત મુખ્ય સમાચાર

પત્રકારની પાઠશાળા જેવા મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનું મુંબઈના કાંદિવલીમાં 88 વર્ષ નિધન થયું છે. તેઓ દિવ્યભાસ્કરના વરિષ્ઠ કટાર લેખક હતા. થોડા દિવસ પહેલા તેમણે એમનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમયે તેમણે ગરબા પણ રમ્યા હતા. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ અખબારમાં ટોચના કટાર લેખ લખ્યા હતા.

નાનપણથી જ પત્રકારત્વમાં રુચિ હતી:
ખૂબ કામ કરવાના સંસ્કાર કાંતિ ભટ્ટને નાનપણથી જ મળેલા હતા. તેઓ શિક્ષક અને ખેડૂત પિતાના પુત્ર હતા. તેમના પિતા હરગોવિંદદાસ શિક્ષક હોવાની સાથે કલાકાર પણ હતા. નાનાપણથી જ તેમને કળાના સંસ્કારો મળેલા હતા. નવ વર્ષની ઉંમરે તેઓ ગ્રામ પંચાયતની લાયબ્રેરી ચલાવતા હતા. સહકારી મંડળીના સેક્રેટરી પણ હતા. મહુવામાં તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધું. 1942માં તેઓએ રાયફલ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. તેઓ 15 વર્ષની ઉંમરે મહુવાના મેગેઝીનના તંત્રી હતા. તેઓએ ઝંકાર નામનું હસ્તલિખિત સામયિક શરૂ કર્યું હતું. તેઓ અચાનક બીમાર પડતા ડોક્ટરોએ કહ્યું હતું કે તેઓ છ મહિના જીવશે. પણ પોતાના દ્રઢ મનોબળથી તેઓ જીવ્યા. જાતે આયુર્વેદના પુસ્તકો વાંચી પોતાની બીમારીનો ઈલાજ કર્યો અને સાજા થયા હતા.

84 દેશનો પ્રવાસ કર્યો છે :
શિક્ષક પિતાની આર્થિક હાલત સારી ન હોવાથી તેઓએ કાકાની સહાયથી વડોદરા જઈને બીકોમનો અભ્યાસ કર્યો. ઈન્ટર કોમર્સ સુધr ગુજરાતી વિષયો હતા અને દરેક પરીક્ષામાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયા હતા. ભણીને તેઓને પ્રોફેસર થવું હતું અને ખેતીવાડી કરવી હતી. પરંતુ પોતાની ઈચ્છા વિરૂદ્ધ તેઓને કાકા સાથે મલેશિયા જવું પડ્યું. તેઓને વેપાર કરવો ગમતો ન હતો. તેઓ 10 વર્ષ મલેશિયામાં રહ્યા. 1966માં મુંબઈ આવ્યા અને પત્રકાર તરીકેની કરિયર શરૂ કરી હતી. 84 દેશોમાં તેઓ ફરેલા છે. તેઓ માનતા કે બધા ઉપદેશ નકામા છે, કર્મ યોગ જ શ્રેષ્ઠ યોગ છે. તેઓ કહેતા કે આજે ખોટી માહિતી ખૂબ અપાઈ રહી છે, લોક પાસે સાચી માહિતી પહોંચવી જોઈએ. તેમના ઘરે રૂ. 25 લાખના પુસ્તકો છે અને પાંચ એનસાઇક્લોપીડિયા છે.

તેઓ વર્ષના 1000 લેખ લખતા હતા:
તેમનું હુલામણું નામ બચુ હતુ. તેમને કોઈ વ્યસન ન હતુ. તેમણે જીવનમાં પ્રથમ પુસ્તક સરસ્વતીચંદ્ર વાંચેલું હતું. તેમનું ભાવતું ભોજન અડદની દાળ, બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો હતું. બીજાની નિંદા કરનાર વ્યક્તિ ઉપર તેમને ગુસ્સો આવતો હતો. લેખનમાં તેમનો મનગમતો વિષય ખેતીવાડી હતો. કાંતિ ભટ્ટને 2006માં વજુ કોટક ચંદ્રક મળ્યો ત્યારે એક અંદાજ મુજબ ત્યાં સુધી તેમના લેખોની સંખ્યા 40 હજારથી વધુ હતી. તેઓએ 50 વર્ષમાં 50 હજાર લેખો લખેલા. વર્ષના એક હજાર એટલે કે રોજના ત્રણ લેખો એ પણ વિવિધરંગી વિષયો ઉપર લખતા. તેઓ વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને છના ટકોરે લખવા બેસી જતા. તેઓ ત્રણ કલાકમાં બે લેખ લખે તો જ તેમને જંપ પળે.

પોતાના લગ્ન વિશે રસપ્રદ વાત પોતે જણાવી હતી:
પોતાના લગ્નો વિશે કાંતિ ભટ્ટે એક મુલાકાતમાં જણાવ્યું હતું. તેમના કાકાએ પસંદ કરેલી છોકરી સાથે તેમના પ્રથમ લગ્ન થયા હતા. 47 વર્ષની વયે તેમના છૂટાછેડા થઈ ગયા. તેમના બીજા લગ્ન (ઓફિશિયલી ન હતા) પૂનાની યુવતી સાથે થયા હતા. તેમના બહેન પૂના રહેતા હતા. તેમની નજીક વણિક કુટુંબની કન્યા અમેરિકાથી પરત આવી હતી. તે ખૂબ દેખાવડી હોવાથી તેમને ખૂબ ગમતી હતી. તેઓ બન્ને વિનોબા ભાવેના ભાઈ બાલકોબા ભાવેને મળવા ગયા. ત્યાં તેઓએ આ યુગલને આશીર્વાદ આપી કહ્યું કે જાઓ તમે બન્ને આજની પતિ-પત્ની. બન્ને મુંબઈમાં રહેવા લાગ્યા. થોડા દિવસ પછી કાંતિ ભટ્ટને ખ્યાલ આવ્યો કે આ યુવતી તો પાગલ છે. શાકવાળાને હજાર રૂપિયાની નોટ આપીને આવતી હતી. પોતે રસોઈ બનાવીને તેને ખવડાવવું પડતું હતું. કાંતિ ભટ્ટેન શ્રદ્ધા હતી કે તે સારી થઈ જશે. આ યુવતી ખૂબ ગમતી હોવાથી તેઓ પોતાનું પત્રકારત્વ ફિલ્ડ છોડી તેની સેવા કરવા માગતા હતા. કાંતિ ભટ્ટે યુવતીના માતા-પિતાને ફોન કર્યો અને બધી વાત કરી. યુવતીના માતા-પિતા સમજ્યા કે તેઓ ઘર જમાઈ બનવા માંગે છે. તેઓ મારવાડી હતા આથી કહ્યું કે અમારી છોકરીને મૂકી જાઓ આમ પોતાને યુવતી ગમતી હોવા છતા તેણે છૂટાછેડા આપી દીધા. તેમના ત્રીજા લગ્ન શીલાબેન સાથે થયા હતા.

  • કાંતિભટ્ટનો જન્મ 15 જુલાઇ 1931માં ભાવનગરના ઝાંઝમેરમાં થયો હતો.
  • પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમ કુંવરબેન છે.
  • કાંતિ ભટ્ટને ચાર ભાઇ અને ત્રણ બહેનો છે.
  • અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાંતિ ભટ્ટ ભાવનગર મ્યુનિસિપલમાં નોકરી કરી હતી. ત્યારબાદ 10 વર્ષ મલેશિયાના પીનાંગમાં કાકા સાથે વેપારમાં જોડાયા હતા.
  • 1977માં કેન્યામાં થોડો સમય કામ કર્યું હતું.
  • અંતે તેમણે 1966માં પત્રકારત્વમાં પગ મૂક્યો હતો.
  • 1965માં પ્રથમ લગ્ન રંજનબેન સાથે કર્યા હતા. ત્યારબાદ 1977માં છૂટાછેડા આપી બીજા લગ્ન 1979માં પોતાનાથી 26 વર્ષ નાના શીલાબેન સાથે કર્યા હતા.

લેખક તરીકેની સફર

મહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ‘ઝણકાર’ના તંત્રી પણ રહીં ચૂક્યાં છે. 1967માં ‘વ્યાપાર’માં સબ એડીટર બન્યાં બાદ ચિત્રલેખા, મુંબઇ સમાચાર, દિવ્ય ભાસ્કર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા સહિત ઘણા મેગેઝીનોમાં પોતાના લેખ લખ્યાં. ​​​​​​