પૂર્વોત્તરના રાજ્ય મણિપુરના પાટનગર ઈમ્ફાલ મંગળવારના રોજ એક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી ધણધણ્યું છે. ઈમ્ફાલમાં એક શક્તિશાળી આઈઈડી વિસ્ફોટમાં પાંચ પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ સવારે 9.30 વાગ્યે ઈમ્ફાલના થાંગર બજારમાં થયો હતો. આ હુમલો પોલીસ અધિકારીઓને નિશાનો બનાવીને કરવામાં આવ્યો હતો. જેની લપેટમાં એક સામાન્ય નાગરિક પણ આવી ગયો હતો.
ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલાની જાણકારી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના એડિશનલ સુપરિટેન્ડેન્ટ પોલીસ, એક ડેપ્યૂટી ઈન્સપેક્ટર, બે આસિસ્ટન્ટ એસઆઈ અને એક રાઈફલ મેન જાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત એક સામાન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો છે. આ બ્લાસ્ટની ઘટનામાં કેટલાક વાહનોને પણ નુકશાન પહોંચ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર નાકાબંધી કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસોમાં ઈમ્ફાલમાં બ્લાસ્ટ થયો હોવાની આ બીજી ઘટના છે. આ અગાઉ 2 નવેમ્બરના રોજ ઈમ્ફાલના તેલીપટી વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં બીએસએફના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

