જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) લાગુ કરવાને મામલે હવે વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. બન્ને નેતાઓ પર લાગુ થયેલા પીએસએને લઈને વિવાદ ગરમાયો છે. ઉમર તેમજ મહેબૂબા વિરુદ્ધ કાર્યવાહી અંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમે નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે ચિદમ્બરમે સંખ્યાબંધ ટ્વીટ કરીને બન્ને નેતાઓ પર પીએસએ લાગુ કરવાથી પોતે હેરાન હોવાનું જણાવ્યું છે.
પી ચિદમ્બરમે જણાવ્યું કે, ‘ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી તેમજ અન્ય લોકો વિરુદ્ધ પબ્લિક સેફ્ટી એક્ટની ક્રૂર કાર્યવાહીથી હું હેરાન છું. આરોપો વગર કોઈ ઉપર કાર્યવાહી કરવી તે લોકશાહીનું સૌથી વાહિયાત પગલું છે. અન્યાયપૂર્ણ કાયદાઓ પસાર કરવામાં આવે છે અને અન્યાયપૂર્વકના કાયદા લાગુ કરવામાં આવે છે, આવામાં લોકો પાસે શાંતિથી વિરોધ કરવા સિવાય શું વિકલ્પ રહે છે?’
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા પી ચિદમ્બરમે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનું કહેવું છે કે રસ્તા પર વિરોધ પ્રદર્શનથી અરાજકતા સર્જાય છે અને સંસદ-વિધાનસભા દ્વારા પસાર કાયદાનું પાલન કરવું પડશે. તેઓ ઈતિહાસને અને મહાત્મા ગાઁધી, માર્ટિન લૂથર કિંગ અને નેલ્સન મંડેલાના પ્રેરક ઉદાહરણોને ભૂલી ગયા છે. શાંતિપૂર્ણ વિરોધ અને સવિનય અવમાનના માધ્યમથી અન્યાયપૂર્ણ કાયદાનો વિરોધ કરવો જોઈએ. આ સત્યાગ્રહ છે.’

