66માં રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ મેદાન માર્યું. બોલીવુડ જેવી વિશાળ ઇન્ડસ્ટ્રીની ‘અંધાધૂન’, ‘બધાઈ હો’, ‘ઉરી’ જેવી ફિલ્મો તેમજ અન્ય ભાષાઓની ફિલ્મો સાથેની દોડમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ ‘બેસ્ટ ફીચર ફિલ્મ’નો એવૉર્ડ જીતીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઓળખ મજબૂત કરવાનું કામ કર્યું છે. રાષ્ટ્રિય પુરસ્કાર જીતતાની સાથે જ લોકોમાં આ ફિલ્મ વિશે જાણવાની અને જોવાની ઉત્સુક્તા વધી છે. આ ફિલ્મ હજુ સુધી રીલીઝ કરવામાં આવી નથી, ફિલ્મનાં મેકર્સનાં કહ્યા પ્રમાણે ફિલ્મ ટૂંક સમયમાં રીલીઝ થઈ શકે છે.
સારથી પ્રોડક્શન અને હરફનમૌલા ફિલ્મસનાં બેનર હેઠળ બનેલી ‘હેલ્લારો’ ફિલ્મની કથા 1975નાં સમયગાળાનાં કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓનાં સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. ‘હેલ્લારો’નો અર્થ થાય છે ‘મોજું’. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે ‘હેલ્લારો’ સર્જાય છે! કથાનાં કેન્દ્રમાં બાર નાયિકાઓ છે (અને આ તમામ એક્ટ્રેસને સ્પેશ્યલ જ્યૂરી મેન્શન-બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો છે). કચ્છનાં છેવાડાનાં ગામ કુરનની પાસેનાં અફાટ રણની વચ્ચે ‘હેલ્લારો’ ફિલ્મને શૂટ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મની બારે ય બાર અભિનેત્રીઓને ‘સ્પેશ્યલ જ્યૂરી મેન્શન – બેસ્ટ એક્ટ્રેસ’નો પુરસ્કાર મળ્યો છે. ફિલ્મને નાટ્યજગતનાં જાણીતા નામ અભિષેક શાહે દિગ્દર્શિત કરી છે. આશિષ પટેલ ફિલ્મનાં મુખ્ય નિર્માતા છે, જ્યારે મિત જાની, પ્રતીક ગુપ્તા, આયુષ પટેલ અને અભિષેક શાહ સહ-નિર્માતા છે.
મિત જાની અને પ્રતીક ગુપ્તાએ આ પહેલા બનાવેલી ‘ગુંગા પહેલવાન’ નામની ડૉક્યુમેન્ટરીને પણ વર્ષ 2014માં નવોદિત દિગ્દર્શકનો રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ‘હેલ્લારો’ ફિલ્મનો સ્ક્રીન-પ્લે અભિષેક શાહ અને પ્રતીક ગુપ્તાએ લખ્યો છે. ફિલ્મનાં સંવાદો અને ગીતો સૌમ્ય જોષી દ્વારા લખવામાં આવ્યા છે.

