અમદાવાદમાં 346 બાળકોને હ્રદય રોગ, 194ને કીડનીના રોગ અને 33ને કેન્સર હોવાનો ખુલાસો

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ AMC વિસ્તારની તમામ આંગણવાડીના, તમામ ખાનગી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, નવજાત શિશુઓ અને શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. 25 નવેમ્બર 2019થી 28 ડિસેમ્બર સુધી કરવામાં આવેલી આ આરોગ્ય તપાસ દરમિયાન 346 બાળકોને હ્રદય રોગ, 194 બાળકોને કીડનીના રોગ, 33ને કેન્સર અને 41ને થેલેસેમિયા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ બાળકોને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર આપવામાં આવી છે.

5 લાખથી વધુ બાળકો તપાસ્યા, 2 લાખથી વધુને સ્થળ પર સારવાર આપી
28 ડિસેમ્બર સુધીમાં કુલ 5 લાખ 87 હજાર 929 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાંથી 2 લાખ 73 હજાર 69 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. સંદર્ભ સેવામાં 33 હજાર 577, બાળરોગ નિષ્ણાત દ્વારા 4 હજાર 376, આંખના સર્જન દ્વારા 7 હજાર 810, દાંતના સર્જન દ્વારા 15 હજાર 183, ચામડીના સ્પેશિયાલિસ્ટ દ્વારા 2755, કાન-નાક ગળાના સર્જન દ્વારા 2228 અને અન્ય નિષ્ણાત દ્વારા 1225 બાળકોની તપાસ કરવામાં આવી છે.