2017 પછી સતત બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે, “કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ વિવિધ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા પછી શાસ્ત્રીની પસંદગી કરી છે. બીસીસીઆઈ CACના નિર્ણયથી સહમત છે ને શાસ્ત્રી 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે.”
કપિલ દેવે કહ્યું હતું કે ત્રણ ઉમેદવાર- રવિ શાસ્ત્રી, માઈક હેસન અને ટોમ મૂડી વચ્ચે ગળાકાપ ટક્કર હતી. અમારા રેન્કિંગમાં શાસ્ત્રી પ્રથમ, હેસન બીજા અને મૂડી ત્રીજા સ્થાને રહ્યો હતો. જયારે અંશુમાન ગાયકવાડે કહ્યું હતું કે શાસ્ત્રી ટીમને, ટીમની પ્રોબ્લમને અને સિસ્ટમને સારી રીતે જાણે છે. તેણે બહુ સારી રીતે ટીમ ઇન્ડિયા માટે પોતાનું વિઝન પ્રેઝન્ટ કર્યું હતું. તેથી અમે તેની પસંદગી કરી છે.
દરેક ઉમેદવારને કોચિંગ ફિલોસોફી, કોચિંગનો અનુભવ, અચીવમેન્ટ, કમ્યુનિકેશન અને મોડર્ન કોચિંગ ટુલ્સના માપદંડ પર માર્ક્સ આપવામાં આવ્યા હતા. ભારતના હેડ કોચ બનવા માટે માઈક હેસન, ટોમ મૂડી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ અને રવિ શાસ્ત્રી શોર્ટ લિસ્ટ થયા હતા. ઇન્ટરવ્યૂના દિવસે વિન્ડીઝના પૂર્વ ક્રિકેટર ફિલ સિમન્સે પારિવારિક કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.
શાસ્ત્રી હેઠળ ભારત પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યું હતું
2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર અને વિરાટ કોહલી સાથેના વિવાદ પછી અનિલ કુંબલેએ કોચ તરીકે રાજીનામુ આપ્યું હતું. ત્યાર પછી ટીમ 2017માં જ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે હેડ કોચ વગર ગઈ હતી.
જુલાઈ 2017માં ટીમના મુખ્ય હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી પસંદગી થઇ હતી. તેના કોચિંગ હેઠળ ભારત છેલ્લા 2 વર્ષમાં ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 તરીકે કાયમ રહી હતી. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વાર ટેસ્ટ સિરીઝ જીતી હતી. વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહ્યું હતું અને સેમિફાઇનલમાં કિવિઝ સામે હારનો સામનો કર્યો હતો.
ભારતે છેલ્લા 2 વર્ષમા 21 ટેસ્ટ રમ્યું, જેમાંથી 11 જીત્યું, 7 હાર્યું અને 3 ટેસ્ટ ડ્રો રહી હતી. ટીમ દક્ષિણ આફ્રિકામાં જીતની બહુ નજીક પહોંચી હતી. વનડેની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ 63 વનડે રમી છે. તેમાંથી 45 જીતી, 15 હારી, 1 મેચમાં રિઝલ્ટ ન આવ્યું અને 2 મેચમાં ટાઈ પડી હતી. જયારે કોહલી અને કંપની 37 ટી-20 રમ્યું હતું, જેમાંથી 25 જીત્યું, 11 હાર્યું અને 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.
અગાઉ રવિ શાસ્ત્રી 2014થી 2016 દરમિયાન ઇન્ડિયન ટીમનો ડાયરેક્ટર રહી ચૂક્યો હતો.

