મુખ્યમંત્રી વિજય રૂપાણી 16 અને 17 ઓગષ્ટના બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. ત્યારે ભારે વરસાદને કારણે કેવડિયામાં ઝીરો વિઝિબિલિટિ છે, જેને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હેલિકોપ્ટર કેવડિયાની જગ્યાએ વડોદરામાં ઉતારવામાં આવ્યું છે. અહીંથી મુખ્યમંત્રી બાય રોડ કેવડિયા જવા રવાના થયા છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ અને સુરક્ષા અંગે અધિકારીઓ સાથે બેઠક કરીને આજે તમામ વિકાસના કામોની મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના પરિવારના 30થી 40 જણા પણ આજે કેવડિયામાં હતા.
પીએમ મોદી બે વખત કેવડિયાની મુલાકાત લેશે
કેવડિયા ખાતે આગામી 13, 14 અને 15 સપ્ટેમ્બર વિદેશ નીતિને લઇને રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાનાર છે. જેમાં 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે, ત્યારબાદ 31 ઓક્ટોબરના ફરી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન કેવડિયા આવશે. આમ બે વખતની પીએમની કેવડિયાની મુલાકાતને લઇને સુરક્ષા માટેની સમીક્ષા અને 30 પ્રોજેક્ટોના કામો વહેલા પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચના અને કામગીરીનું નિદર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે. શુક્રવારે સાંજે 7 કલાકે હેલિકોપ્ટર દ્વારા કેવડિયા કોલોનીના હેલિપેડ ખાતે આવશે અને ત્યાંથી વી.આઇ.પી. સર્કિટ હાઉસ ખાતે જઇ રાત્રે 8 અધિકારીઓ સાથે બેઠક કરશે.
સીએમ પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લેશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે 8.30 કલાકે કેવડિયા કોલોનીમાં જુદા જુદા પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે બાકી કામગીરી અંગે જરૂરી સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ બપોરે 2.10 કલાકે કેવડીયા હેલિપેડ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.

