બોગસ રીતે BSFમાં ભરતી થવા માટેનું કૌભાંડ પકડાયું, ગાંધીનગરથી આ રીતે થયો પર્દાફાશ

ગુજરાત મુખ્ય સમાચાર

હાલમાં દેશના ગુજરાત, દીવ-દમણ અને મહારાષ્ટ્ર રાજ્યો માટે બીએસએફમાં ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ દિલ્હીમાં લેવાયેલી લેખિત પરીક્ષા બાદ ગાંધીનગર ખાતે ફિજિકલ ટેસ્ટ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષા માટે 350 જેટલાં ઉમેદવારો આવ્યા હતા. આ ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ અને ફોટો મેચ કરતાં 15 ઉમેદવારો બોગસ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ભરતી બોર્ડમાં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ઉપસ્થિત અધિકારીઓએ કૌભાંડીઓ વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે 15 ભૂતિયા ઉમેદવારો પૈકી બે ઉમેદવારો ભાગી છૂટતાં પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

અગાઉ બીએસએફમાં ભરતી માટે હાથ ધરાયેલ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. બાદ ગાંધીનગર બીએસએફ કેમ્પ ખાતે ઉમેદવારોની ફિજિકલ ટેસ્ટ લેવામાં આવનાર હતી. તા.13ના રોજ 350 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લાના અંબાસણ ખાતે કમાન્ડર તરીકે 154 બટાલિયનમાં ફરજ બજાવતાં મનજીતસિંગને હાલ ભરતી બોર્ડમાં પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે મુકાયા હતા. તેમના દ્વારા ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ અને બાયોમેટ્રિક ડેટા તપાસવામાં આવતાં હાજર ઉમેદવારો પૈકી 15 ઉમેદવારોના ડેટા ખોટા હોવાનું સામે આવતાં તેઓ ખુદ ચોંકી ગયા હતા.

બાદમાં કૌભાંડી ઉમેદવારોની સઘન પુછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે, લેખિત પરીક્ષા અન્ય ઉમેદવારોએ આપી હતી. જે બાદ તેઓએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 2 ઉમેદવારો ભાગી છૂટતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.