પાકિસ્તાન સૈન્યના વડા કમર બાજવાની ધમકી બાદ હવે પાક. વડા પ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીર મુદ્દે ઝેર ઓક્યૂં હતું. ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે એક કેમ્પેઇન શરૂ કર્યું છે કેમ કે પાકિસ્તાન માટે કાશ્મીર ગળાની મુખ્ય નસ સમાન છે.
ઇમરાન ખાને સાથે દાવો કર્યો હતો કે મે વિશ્વને જણાવ્યું છે કે પાકિસ્તાન યુદ્ધ નથી ઇચ્છતું પણ સાથે પાકિસ્તાન તેની સામે જે પડકારો છે તેને લઇને ચુપ પણ નહીં રહે. જ્યાં સુધી કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રના રિઝોલ્યૂશન પ્રમાણે નિવેડવામાં નહીં આવે ત્યાં સુધી હું ચુપ નહીં બેસું.
ઇમરાન ખાને જુઠ ફેલાવતા કહ્યું હતું કે અમે આતંકવાદ સામે યુદ્ધ છેડયું છે અને તેમાં સફળ પણ થયા છીએ. અમારી હવે પછીની લડત ગરીબી, બેરોજગારી અને આર્થિક રીતે જે પણ આપણી નબળાઇઓ છે તેને પહોંચી વળવાની રહેશે. અફઘાનિસ્તાનમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધી અમે સમર્થન આપવા માટે તૈયાર છીએ.
પાકિસ્તાનના પ્રમુખ આરિફ આલ્વીએ પણ કાશ્મીર રાગ આલાપ્યો હતો અને ભારત વિરોધી ઝેર ઓક્તા કહ્યું હતું કે દરેક સ્તરે અને ક્ષેત્રે કાશ્મીર મામલો ઉઠાવવામાં આવશે.

