જમ્મુ કાશ્મીર પીપલ્સ ચળવળ પક્ષના નેતા શેહલા રાશીદ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ શેહલા રાશીદે જે ટ્વિટ કરી હતી તેમાં સૈન્ય પર આરોપો લગાવ્યા હતા, આ આરોપો જુઠા હોવાનું સૈન્યએ પણ કહ્યું હતું. બાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને શેહલા રાશીદ વિરૂદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે શેહલા રાશીદ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસ સમક્ષ સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે દાવો કર્યો હતો કે જેએનયુની પૂર્વ વિદ્યાિર્થ નેતા શેહલા રાશીદે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે કાશ્મીરમાં સૈન્ય દ્વારા આમ નાગરીકોના ઘરોમાં ઘૂસીને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક સૃથાનિકો સાથે મારપીટ પણ કરી છે. જોકે આ આરોપો જુઠા છે તેવો દાવો વકીલે કર્યો હતો. બાદમા દિલ્હી પોલીસે સમગ્ર મામલાને સ્પેશિયલ સેલમાં મોકલી દીધો હતો.
હાલ ત્રીજી સપ્ટેમ્બરના રોજ શેહલા રાશીદ વિરૂદ્ધ રાજદ્રોહની કલમ 124એ, 153એ વગેરે અંતર્ગત ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ જેએનયુના અન્ય એક પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર વિરૂદ્ધ પણ દેશદ્રોહના કેસમાં તપાસ કરી રહી છે. આ વર્ષે જ દિલ્હી પોલીસે કન્હૈયા કુમારના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કોલમ 12માં જે આશરે 37 જેટલા આરોપી હતા તેમા શેહલા રાશીદનો પણ સમાવેશ થાય છે.
બીજી તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર અને અન્યો વિરૂદ્ધ તપાસ કરવાનો હાલ કોઇ જ નિર્ણય નથી લેવામાં આવ્યો. જોકે દિલ્હી સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગામી દિવસોમાં આ સમગ્ર મામલે અભિપ્રાયો લઇને અને માહિતી એકઠી કર્યા બાદ આગળની તપાસ અંગે નિર્ણય લેવામા આવશે. આ મામલે કોઇ જ રાજકીય દબાણ નહીં થાય કે આપ દ્વારા કોઇ દરમિયાનગીરી પણ કરવામાં નહીં આવે.

