કર્ણાટક પછી ગોવામાં પણ કોંગ્રેસના 10 ધારાસભ્યોના રાજીનામા પડ્યા: રિપોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશભરમાં હાલ કર્ણાટકનું રાજકીય નાટક ચર્ચાનો વિષય બન્યો છે. કર્ણાટકમાં હાલ કોંગ્રેસનું અસ્તિત્વ જોખમાયું છે, તેના મોટાભાગના નેતાઓ સતત રાજીનામા આપી રહ્યા છે. તો બીજી તરફ કર્ણાટક ભાજપા હવે સરકાર રચવા માટે દાવો કરી રહી છે.

કોંગ્રેસ માટે આ કપરા સમયમાં દેશના ગોવા રાજ્યમાંથી પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ ગોવા કોંગ્રેસના 15 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. તેઓ ભાજપામાં સામેલ થશે તેની અટકણો વચ્ચે ગોવાના રાજકારણનું વાતાવરણ ગરમાયું છે.

જો કે આ મામલે ગોવા કોંગ્રેસે કોઇ પણ પ્રતિક્રિયા આપી નથી કે ભાજપાએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુ મોટો ફટકો પડ્યો હતો. તેની હારની જવાબદારી લેતા અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું, જે પછી કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે રાજીનામા પડવા લાગ્યા. હાલમાં કર્ણાટકમાં પણ કોંગ્રેસ નબળી સ્થિતિમાં પહોંચી ગઇ છે.