વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, હજારો લોકોએ અશ્રુભીની વિદાય આપી, પુત્ર જયેશે મુખાગ્નિ આપી

મુખ્ય સમાચાર રાજકીય

રાજકોટ: પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપી હતી. ત્યાર બાદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આ દરમિયાન જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

મોટી સંખ્યામાં લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા

અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળતા જ હજાકો લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. શણગારેલી શબવાહિનીમાં આગળ વિઠ્ઠલભાઇનો સાફાવાળો ફોટો રાખવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં જય જવાન જય કિસાન, વિઠ્ઠલભાઇ તમે અમર રહોના નારા લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા. ખેડૂતોમાં પણ ગમગીની જોવા મળી હતી. અંતિમસંસ્કાર જામકંડોરણાના સ્મશાનમાં કરવામાં આવી હતી. વિઠ્ઠલભાઇના પાર્થિવદેહના અગ્નિસંસ્કાર ચંદનના કેટલાક લાકડામાં કરવામાં આવ્યા હતા.

મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા

વિઠ્ઠલભાઇની અંતિમયાત્રામાં દરેક સમાજના લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા.