કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે નિવેદનો કરી ભારતનો વિરોધ કરી રહેલું મલેશિયાની શાન ઠેકાણે આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
ભારત તરફથી પામ ઓઇલની ખરીદીમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવાથી મલેશિયા ગભરાહટ હવે ખુલ્લેઆમ જોઇ શકાય છે. મલેશિયાના વડાપ્રધાન મહાતિરે તાજેતરમાં નિવેદન આપી સમાધાનના સંકેત આપ્યા છે. કાશ્મીર મુદ્દે ભારતનો સતત વિરોધ કરી રહેલા મલેશિયાના પીએમએ કહ્યું કે, તે ભારતને જવાબ આપવા માટે ઘણો નાનો દેશ છે અને હવે તેઓ સમાધાન માટે નજર માંડી રહ્યા છે.
મલેશિયા પામ ઓઇલનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ભારત તરફથી પામ ઓઇલની આયાતમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે મલેશિયામાં પામ ઓઇલની કિંમત તેના 11 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ છે. આ સ્થિતિને કારણે મલેશિયા સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને હવે ભારત સાથે સમાધાન તરફ આગળ વધવાના પ્રયત્ન કરી રહ્યું છે. ભારતમાં કુલ ખાદ્ય તેલનો ત્રીજો ભાગ પામ ઓઇલ ધરાવે છે. વાર્ષિક સ્તરે ભારત લગભગ 90 લાખ ટન પામ ઓઇલની આયાત કરે છે. જેમાં સૌથી મોટો ભાગ ઇન્ડોનેશિયા અને મલેશિયા પૂરો પાડે છે.