ગુજરાતમાંથી ગીર ગાયોનું ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરાઈ રહ્યું છે. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે 64 ગાયોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ બાબતની જાણ થયા બાદ સરકારે જવાબદાર ગણાતા તમામ ઉચ્ચ અધિકારીઓની સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. જુનાગઢ તથા રાજકોટના જિલ્લા કલેકટર અને વડોદરાના જિલ્લા પોલીસ અધિકારીને નિયમ મુજબ પગલાં લેવાનો આદેશ કરાયો હતો.
તો આવા જવાબદાર દોષિતની વિરુદ્ધ માં કેવા પ્રકારની કાર્યવાહી કરી અને ગીર ગાયો નું સ્થળાંતર અટકે તે માટે સરકારે કેવા પગલા લીધા તે પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું કે જૂનાગઢના કલેકટર દ્વારા કેશોદના મામલતદારને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા માટેની તાકીદ કરવામાં આવી છે.
ઉપરાંત રાજકોટ કલેક્ટરે પણ પડધરીના નિવૃત્ત મામલતદારની સામે નિયમો મુજબ પગલાં લેવા માટે કારણદર્શક નોટિસ પાઠવી છે. જ્યારે વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પરિવહન સાથેના સરકારી કાગળો ધ્યાને લેતા કોઈ ગુનો નોંધાયો નથી. કોંગ્રેસના ધારાસભ્યના છેલ્લા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સંબંધિત અધિકારીઓને પરિપત્ર કરી લેખિતમાં જાણ કરી છે. તેમજ નિયમો મુજબ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.