આગામી ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી લડવાની જાહેરાત પછી ભાજપાની કહેવાતી સહયોગી પાર્ટી શિવસેનાએ તેના સ્વભાવ મુજબના નિવેદન આપ્યા છે. સતત ભાજપા પર પ્રહારો કરી પીએમ મોદીની યોજના અને નીતિઓ પર સવાલો ઉભા કરી રહેલ શિવસેનાએ હવે અમિત શાહની ઉમેદવારી પર સવાલો ઉભા કર્યા છે. શિવસેનાએ પાર્ટીના નિર્ણય પર ટિપ્પણી કરી હતી કે, આ સીટનું નેતૃત્વ અડવાણી કરતા હતા અને ચૂંટણી ન લડવાના નિર્ણય પર પણ તેઓ પાર્ટીના સૌથી મોટા નેતા રહેશે. શિવસેનાએ પાર્ટીની રણનીતિને વખોડતા જણાવ્યું કે, અડવાણીની જગ્યાએ શાહને ચૂંટણી લડવાની રાજનીતિને ‘ભીષ્માચાર્ચ’ને ‘બળજબરીથી રિટાયરમેન્ટ’ આપવાની ઘટના ગણાવી છે. શિવસેના મુજબ લાલકૃષ્ણ અડવાણીને ભારતીય રાજનીતિના ‘ભીષ્માચાર્ય’ માનવામાં આવે છે, પરંતુ લોકસભા ચૂંટણી માટે ભાજપાની યાદીમાં તેમનું નામ ન હોવુ એ આશ્ચર્ય આપનાર ઘટના નથી.

